ભારત અને દ.આફ્રિકા વચ્ચેના મેચના કારણે જામનગરથી આવતા વાહનોને ટંકારા,પડધરી કે મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે

0
2802

ભારત અને દ.આફ્રિકા વચ્ચેના મેચના કારણે જામનગરથી આવતા વાહનોને ટંકારા,પડધરી કે મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે

રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે રમાનાર T-20 મેચ નિહાળવા માટે રાજકોટ તેમજ આસપાસનાં જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ પોત પોતાનાં વાહનો લઈને મેચ જોવા માટે આવનાર હોય આ દિવસે રાજકોટ- જામનગર હાઇવે પર ભારે ટ્રાફીક ખડકાવાની શકયતાઓ રહેલી છે અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારો માટે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે. આ મેચ જોવા માટે આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોય રાજકોટ-જામનગર હાઇવે પર આ દિવસે ટ્રાફીકજામ થવાની પુરી શકયતા છે. જેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અસર ન થાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામુ બહાર પાડી તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. 17નાં રોજ જામનગર તરફથી આવતા મોટા વાહનો જેમ કે ટ્રક, ટેન્કર , ટ્રેલર વગેરે વાહનોએ પડધરી, મોવેયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવવાનું રહેશે. અથવા પડધરી, નેકનામ, મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ 17 તારીખના સાંજ ના 4 વાગ્યાથી 18 તારીખના રાત્રિના 1 વાગ્યા સુધી થશે અને ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચમાં કામ માટે જે ફરજ સોંપેલ હશે તેવા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, સબ વાહિની, એબ્યુલન્સ તથા ફાયર ફાઇટર જેવા. વાહનો તેમજ જે લોકો પાસે ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસનાં આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસનાં ગામોમાં રહેતા હોય અને તેનો આધારભૂત પુરાવો રજુ કરે તેવા વાહન ચાલકોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે.