દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો ; મંદિર પરિસરમાં લગાવાયા બેનરો

0
286

દ્વારકાધીશ જગતમંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેને લઈ મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રવેશ ન કરવાના બેનર પણ લગાવાયા છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈ હવે ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.
જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. વાત જાણે એમ છે કે, મંદિર વ્યવસ્થાન સમિતિદ્વારા ધાર્મિક ભાવના જળવાઈ રહે તે માટે ભક્તોને ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે.
દ્વારકાની વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે. હમણાં તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડા પહેલા જગતમંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે, જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.


દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર ૫૨ ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર ૫૬ પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવતા હતા. જ્યારે અન્ય ૫૨ પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર ૫૨ ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત ૧૨ રાશિ, ૨૭ નક્ષત્ર, ૧૦ દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત ૫૨ થાય છે. એટલે ૫૨ ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.
દ્વારકાધીશની મંગલા આરતી સવારે ૭.૩૦ વાગે, શ્રૃંગાર સવારે ૧૦.૩૦ વાગે, ત્યાર બાદ સવારે ૧૧.૩૦ વાગે, તથા સાંજની આરતી ૭.૪૫ વાગે અને શયન આરતી ૮.૩૦ વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.