તા. ર૬ થી ૩૧ ઓગસ્ટ સુધી અમીન માર્ગ ઉપર માટીની મૂર્તિઓનું પ્રદર્શન સહ વેચાણ

0
234

“હસ્તકલા સેતુ યોજના” અંતર્ગત કારીગરોએ વિધ્નહર્તાની માટીની મૂર્તિઓ બનાવીને
પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પાઠવ્યો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

તા. ર૬ થી ૩૧ ઓગસ્ટ સુધી અમીન માર્ગ ઉપર માટીની મૂર્તિઓનું પ્રદર્શન સહ વેચાણ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

આગામી તા.૩૧ ઓગસ્ટ-ગણેશ ચતુર્થીના પાવન પર્વને ઉજવવા રાજ્યના તમામ વિસ્તારોમાં ગણેશભક્તોએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ ચતુર્થી આવતા દરેક વ્યક્તિ ભગવાનને આવકારવા માટે તેમના ઘરને સજાવવામાં વ્યસ્ત થઈ જાય છે. ચોમેર ગણેશ સ્થાપન ઉમંગ, ભક્તિભાવથી કરવામાં આવે છે, ત્યારે વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થકી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે.

ગણેશ ઉત્સવની શાનદાર ઉજવણી માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે “હસ્તકલા સેતુ યોજના” અંતર્ગત પ્રકૃતિ, પર્યાવરણ અને હસ્તકલાના જતન માટે કારીગરો દ્વારા બનાવેલ માટીની મૂર્તિઓની સાથે સાથે પૂજાની થાળી, પૂજાની સામગ્રી, મંદિર સજાવટની વસ્તુઓ, ગણપતિ શણગારની વસ્તુઓ, ગોમયથી બનાવેલ દિવા અને કુંડા સહિતની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ તા. ર૬ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી અમીનમાર્ગ કોર્નર, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૧૦:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

આ તકે કોટેજ એન્ડ રૂરલ ઈન્ક્યુબેટરના જિલ્લા અધિકારી શ્રી નિરવ ભાલોડિયાએ જાહેરજનતાને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણને નુકસાનકર્તા પીઓપીની મૂર્તિઓના સ્થાને માટીની મૂર્તિના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સહિત અનેકવિધ લાભો અને અનેરૂ મહત્વ હોવાથી માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના વધુમાં વધુ થાય એ માટે લોકો જાગૃત થાય તથા માત્ર ને માત્ર ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની જ સ્થાપના કરી પ્રકૃતિ પ્રત્યેનું ઋણ ચૂકવવું જોઈએ.