સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંહ અને દીપડો સહિતના વન્ય પ્રાણી રહેણાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં એક સિંહણ અને ત્રણ સિંહ બાળ વાડી વિસ્તારમાં દેખાયા છે. કુંડમાંથી પાણી પીતા સિંહ પરિવારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ પ્રકારના દ્રશ્યો સિંહપ્રેમીઓને આકર્ષિત કર્યા છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થયો છે. .આ તરફ અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહ રોડ ક્રોસ કરતા વાહનો થંભી ગયા હતા. વનરાજને જોવામાં લોકો ઉભા રહી ગયા હતા. સિંહના અકસ્માતે મોતની ઘટનાઓ અનેક વાર બની ચુકી છે. જેને લઈ સિંહ પ્રેમીઓએ અનેક વાર સવાલ ઉઠાવ્યા છે.
પોરબંદરના ચિગરિયા ગામે સિંહ લટાર જોવા મળી છે. વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. બીજી તરફ દરિયા કિનારા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સિંહના ધામા હોવાનું સ્થાનિકોનું માનવું છે. તરફ ભાવનગરના સિહોરમાં વધુ એક વાર દીપડો જોવા મળ્યો છે. સિહોરનાં શહેરી વિસ્તારમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ છે. ગેલોર્ડ રેસ્ટોરન્ટના પરિસરમાં દીપડો ઘૂસ્યો છે. જેને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે. હાલ તો દીપડાને પાંજરે પુરવા વન વિભાગે કામગીરી શરુ કરી છે. છેલ્લા એક સપ્તાહથી દીપડો સિહોરના આસપાસના વિસ્તારમાં જોવા મળતો હોવાનો સ્થાનિકોનો દાવો છે.