રાજકોટ: ૧૪ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી ગજેન્દ્રસિંહ ઠાકુરને પોલીસે રિક્ષાચાલક બનીને ગુનેગારને દબોચ્યો

0
3283

જામનગર જિલ્લાના કાલાવડના આણંદપર ગામે જમીનની તકરારમાં ચનાભાઈ જસેડીયા નામના વ્યક્તિનું અપહરણ કરી હત્યા કરવાના ૨૦૦૯ના ચર્ચાસ્પદ ગુનામાં વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનું શંકરસિંહ ઠાકુર આગ્રામાં રહેતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB પીઆઇ વી.વી. ઓડેદરા તથા પીએસઆઇ આર.કે. ગોહિલની ટીમે રિક્ષા ચાલક બની આરોપી ગજેન્દ્રસિંહની સતત બે દિવસ સુધી રેકી કરી અંતે આગ્રાના તાજનગર પાસે આવેલા આશ્રમ પાસેથી દબોચી લીધો હતો.
ઝડપાયેલો વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઠાકુર પોલીસ પકડથી દુર રહેવા માટે આગ્રામાં સંજુ સિસોદિયા નામ ધારણ કરીને રહેતો હતો. તેણે આ નામનું આધારકાર્ડ પણ બનાવી લીધું હતું. આરોપીનો ૨૦૦૯નો ચહેરો અને અત્યારનો ચહેરો પોલીસને પારખવામાં ઘણી મુશ્કેલી પણ પડી હતી. ગજેન્દ્રસિંહએ જમીન તકરારમાં મૃતકનું અપહરણ કરી દસ્તાવેજ લખાવી લેવા માટે મૃતક ચનાભાઈના કૌટુંબીક ભત્રીજા પાસેથી સાત લાખ રૂપિયાની સોપારી લીધી હતી.


જોકે, જમીન દસ્તાવેદ લખી આપવા ચનાભાઈ ન માનતા ગજેન્દ્રસિંહએ તેમનું ઢીમ ઢાળી દીધું હતું અને બાદમાં ગજેન્દ્રસિંહ અને તેના સાગરીતોએ મૃતકની લાશને એસ્ટીમ કારમાં વલસાડ પાસે લઇ જઇ તાપી નદીમાં ફેંકી દીધી હતી. ૬ મહિના બાદ ગજેન્દ્રસિંહનો સાગરીત કરણ મેર પકડાતા તેણે કબુલાત કરતા આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો.
હત્યાનો ભોગ બનનાર ચનાભાઈ તથા તેના બે ભાઈઓને કાલાવડના આણંદપર ગામે સંયુક્ત ખાતાની ૧૧૫ વિઘા જમીન હતી. ચનાભાઇના ભાઈ ભુરાભાઇ જસેડીયાને લગ્નજીવનમાં અણબનાવ બનતા તેમના પત્ની બાળકોને લઇ પિયર નારણકા ગામે જતા રહ્યા હતા. બાદમાં ભુરાભાઇના પુત્ર જિવરાજ તથા બાબુ રાજકોટ રહેવા આવ્યા હતા. આ દરમિયાન ભુરાભાઇ જેસડીયાએ તેમના ભાગમાં આવતી જમીન પોતાના બંને ભાઇઓ ચનાભાઇ તથા મકનભાઇને વેચાતી આપી દીધી હતી.
ભુરાભાઇના પુત્ર બાબુ જેસડીયાએ પોતાના પિતાની જમીનમાં ભાગ મેળવવા માટે પોતાના કાકા ચનાભાઇ જેસડીયા સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં બાબુ હારી જતા તેને દ્વેષ રાખી તેના સાગરીતો સાથે કાકા ચનાભાઇ જેસડીયાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો અને બાદમાં તેમની હત્યા કરી નાખી હતી.
ચનાભાઈ જેસડીયાના અપહરણ અને મર્ડરના આ બનાવમાં કાલાવડ પોલીસે જે તે સમયે આરોપી બાબુ જેસડીયા, ધર્મેશ સાંગાણી, મુળુ મેર, છગન જેસડીયા, મગન સાંગાણી, પરેશ સાંગાણી તથા કરણ ઉર્ફે પોલો મેરની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સોપારી લેનાર ગજેન્દ્રસિંહ ઠાકુર ૧૪ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. જેને આજ રોજ પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.