ભાવનગરના વલ્લભીપુર રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; ૨ લોકોના મૃત્યુ, ૧૮ લોકો ઈજાગ્રસ્ત

0
112

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં ૨ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે ૧૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગરના વલ્લભીપુરના પાટણા રોડ નજીક બોલેરો પીકઅપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં બોલેરામાં સવાર ૨ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે ૧૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રોડ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાયાનો વાહનચાલકની સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બોટાદના સુંદરિયાણા ગામે રહેતા પરિવારને અકસ્માત નડ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.