ગાંધીનગર :ઈટાદરા ગામે વહાણવટી માતાજીના મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ૧૧.૪૦ લાખના ઘરેણાની ચોરી

0
683

માણસા તાલુકાના ઈટાદરા ગામે ગત રાત્રિના રોજ અજાણ્યા ચોર ઈસમો એ ગામની સીમમાં આવેલ વહાણવટી માતાજીના મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરમાં મુકેલા ચાંદીના બે ફોટા અને તેની સાથે સોનાના ઘરેણાનો શણગાર કર્યો હતો તે તમામ દાગીના તથા દાનપેટીની રોકડ મળી કુલ અગિયાર લાખ ચાલીસ હજાર ના મુદ્દા માલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે મંદિરના વહીવટદારે માણસા પોલીસ સ્ટેશનને અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી લાખો રૃપિયાના સોના ચાંદીના દાગીના ની ચોરી કરી ભાગી છૂટનાર અજાણ્યા ચોરોનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
માણસા તાલુકાના ઈટાદરા ગામે જુના બસ સ્ટેન્ડ પાસે વડવાળા વાસમાં રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઈ ભગાભાઈ પટેલની પૈતૃક પડતર જમીન ઈટાદરા ગામની સીમમાં પીપળીયા તળાવ સામે આવેલી છે અને આ જમીન પર પાંચ વર્ષ અગાઉ તેમના કૌટુંબિક ભાઈઓએ ભેગા મળી વહાણવટી સિકોતર માતાનું મંદિર બનાવ્યું હતું અને આ મંદિરની સેવા પૂજન માટે એક પૂજારીને પણ રાખવામાં આવેલ છે જેમાં ગઈકાલે સાંજે આ પૂજારી માતાજીના મંદિરમાં પૂજા આરતી પૂરી કરી રાત્રે ૭.૩૦ વાગે મંદિરના મુખ્ય દરવાજા અને તાળું મારી ઘરે ગયા હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમો આ મંદિર પાસે ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી અંદર મૂકવામાં આવેલા સિકોતર માતાજીનો ફોટો અને ગોગા મહારાજનો ફોટો જે બંને ૧ લાખ ૪૮ હજારની કિંમત બે કિલોની ચાંદીના પતરામાં બનાવેલા હતા તે તથા માતાજીના ગળામાં પહેરાવેલ ૧,૩૫,૦૦૦ ની કિંમતનો સવા બે તોલાનો સોનાનો હાર, ૧,૩૫,૦૦૦ ની કિંમત ની સોનાની સવા બે તોલાની હાથની ચાર બંગડી, ૭૫ હજાર રૃપિયાની કિંમત નો સવા તોલાનો સોનાનો કંદોરો,૧,૩૫,૦૦૦ ની કિંમત ના હાથના સોનાના બાજુ બંધ,૭૫ હજાર રૃપિયાની કિંમતના સવા તોલાની પગની ઝાંઝર, તેમજ બુટ્ટી,નથણી,ટિક્કો, ત્રિશૂળ મળી ૯૦,૦૦૦ ની કિંમત નો દોઢ તોલા ના સોનાનો શણગાર ઉપરાંત ગોગા મહારાજના ગળા પર ત્રણ લાખ રૃપિયાની કિંમત નો પાંચ તોલા સોનાનો ત્રણ શેર વાળી મગમાળા અને બંને ફોટા પર ૫૦૦ ગ્રામ ચાંદીના ૩૭,૦૦૦ ની કિંમતના બે છતર અને દાન પેટીમાંની રોકડ રકમ ૧૦,૦૦૦ મળી કુલ ૧૧,૪૦,૦૦૦ ના સોના ચાંદી અને રોકડની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
આજે વહેલી સવારે ભક્તો મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યારે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા તેમને તેમના કૌટુંબિક ભાઈઓને બોલાવી મંદિરમાં જોતા બંને ફોટા તેમજ ઘરેણા, દાન પેટીની રોકડ તમામ વસ્તુની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે આ બાબતે તાત્કાલિક માણસા પોલીસ સ્ટેશને જાણ કરી અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.