મોરબીમાં પરિણીતાને નશાયુક્ત પીણું પીવડાવી આચર્યું સામુહિક દુષ્કર્મ:ચારેય આરોપીઓ જેલ હવાલે

0
19373

રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, તેવામાં મોરબીમાં બ્યુટીપાર્લર ધરાવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને બેભાન હાલતમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી. આ તકે ત્યાં ઓફિસ ધરાવતા વકીલનો પુત્ર યશ વિશ્વાસ દેસાઈએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી, ત્યાં તેણીને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું. જેથી કરીને ભોગ બનેલ પરણીતા બેભાન બની ગઈ હતી.
ત્યાર બાદ તે રાતે જ્યારે થોડી ભાનમાં આવી હતી, ત્યારે ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ ઓફિસમાં કઢંગી હાલતમાં હતો, તેમજ ફરિયાદીએ જે કપડા પહેર્યા હતા તે બદલાઈ ગયા હતા. જેથી કરીને તે મહિલાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કર્યો હતો. ત્યાર બાદ તેના પરિવારજનો ત્યાં શોપિંગ સેન્ટરે આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
જેથી એ ડિવિઝન પોલીસ ત્યાં આવી હતી અને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસે મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓના મેડીકલ પુરાવા લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગુનામાં આરોપી ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (ઉં.વ ૨૫), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉં.વ૨૦), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી(ઉં.વ૨૦) અને રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉં.વ ૨૧)ની ધરપકડ કરવામાં આવી છે. રવિ દિલીપ ચૌહાણ મૂળ બોટાદનો છે અને તે યશ દેસાઈનો બનેવી થાય છે અને મહિલાને ક્યુ નશાયુક્ત પીણું પીવડાવવામાં આવ્યું હતું, તેની તપાસ કરવા માટે થઈને ઘટના સ્થળેથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ગ્લાસ વિગેરે કબ્જામાં લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પી.એસ. ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ દુષ્કર્મના આ કેસમાં વકીલ વિશ્વાસ દેસાઇના પુત્ર યશ દેસાઈ અને તેના જમાઈ રવિ દિલીપ ચૌહાણ સહિતના ચારેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને ચારેયની રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવા આગળની તજવીજ હાથ ધરી છે.