મોરબીના માણેકવાડામાં જીઈબીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે જેમાં જીઇબીના કર્મચારીઓએ પંચરના ધંધાર્થીને વીજ સ્થભ ઉપર ચડાવતા યુવકને કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને પંચરનું કામ કરતા રમજાન તૈયબભાઈ સુમરા નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પીજીવીસીએલના થાંભલા ઉપર ચડયો હતો જે દરમિયાન યુવકને વીજ શોક લાગતા તે નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને જરૂરી કાગળો કરી ઈજાગ્રસ્ત યુવક અને પરિવારના નિવેદનો નોંધ્યા હતાં.
આ અંગે પ્રાથમિક પૂછપર માં રમજાન સુમરા ચાર ભાઈ બે બહેનમાં નાનો અને તેને પંચરની દુકાન છે જઇબીના કર્મચારીઓએ રમજાન સુમરાને લાઈટ રીપેરીંગ માટે વીજ સ્થંભ ઉપર ચડાવતા વીજ શોક લાગ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.