ગિર સોમનાથ જળબંબાકાર:સુત્રાપાડા અને કોડીનારમાં 13-13 ઇંચ વરસાદના પગલે વાહનવ્યવહાર ખોરવાયો

0
10449

ગિર સોમનાથ જળબંબાકાર:સુત્રાપાડા અને કોડીનારમાં 13-13 ઇંચ વરસાદના પગલે વાહનવ્યવહાર ખોરવાયો

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગિરસોમનાથના સુત્રાપાડા અને કોડીનારમાં 13-13 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ સિવાય વેરાવળ, માંગરોળ, માળીયા જેવા શહેરોમાં પણ સાંબેલાધારે વરસાદ વરસવાને પગલે આફતની હાલત ઉભી થઇ છે.

હવામાન ખાતાનાં અહેવાલ પ્રમાણે સુત્રાપાડા અને કોડીનારમાં ગઇકાલ મોડી સાંજથી શરુ થયેલો ભારે વરસાદ વધુને વધુ જોર પકડતો રહ્યો હતો અને એકધારો વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં સુત્રાપાડામાં 322 મીમી (13 ઇંચ) તથા કોડીનારમાં 332 (13.25 ઇંચ) વરસાદ નોંધાયો છે. 12 ઇંચ વરસાદ તો માત્ર સાત કલાકમાં જ નોંધાયો હતો. જ્યારે સુત્રાપાડામાં સાત કલાકમાં 9 ઇંચ વરસાદ થયો હતો. આ સિવાય વેરાવળમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વેરાવળનો આજે બપોર સુધીમાં વરસાદ સાડા છ ઇંચ થયો છે. આ જ રીતે માંગરોળમાં અનરાધાર વરસાદ વચ્ચે ગઇકાલથી આજ બપોર સુધીમાં 235 મીમી (9.50 ઇંચ) પાણી વરસી ગયું છે.
મુશળધાર વરસાદને પગલે કોડીનાર, સુત્રાપાડા અને માંગરોળમાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંતર્ગત ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું તે સોમત નદીના પૂરમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્રણેય શહેરનાં તમામ વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણીની હાલત ઉભી થઇ છે.

સુત્રાપાડામાં મોડી રાત્રે બે વાગ્યા આસપાસ વરસાદનુ આગમન થયા બાદ સતત જોર પકડતો રહ્યો હતો અને સવારે 7 વાગ્યા સુધી અનરાધાર વરસ્યો હતો. ત્યારબાદ આજે સવારે 10થી 2 વાગ્યા સુધીમાં પણ વધુ 4 ઇંચ પાણી વરસી ગયું હતું. શહેર અને સમગ્ર પંથકમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. મટાણા, પ્રશ્ર્નવડા,લોઢવા, સીમસર સહિતના ગામોની શેરીઓ જાણે નદીમાં ફેરવાઈ ગઇ હતી. લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

કોડીનાર પંથકમાં પણ અનરાધાર વરસાદને કારણે તમામ રસ્તાઓ, સોસાયટીઓ તથા નિચાણવાળા ભાગોમાં જળબંબાકારની હાલત સર્જાઇ હતી. મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો માટે આફતની સ્થિતિ સર્જાઇ હતી. અનેક ગામોનાં રસ્તા ધોવાઇ જતાં વાહન વ્યવહાર અટવાઈ ગયો હતો.

ગિર સોમનાથ ઉપરાંત જુનાગઢના માંગરોળમાં પણ સાડા નવ ઇંચ વરસાદ થતાં માર્ગો પાણી-પાણી થયા હતા. આ સિવાય વેરાવળમાં પણ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. માળિયામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા શુક્રવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે, રાજકોટ, જામનગર,જૂનાગઢ, ગિર સોમનાથ સહિતના છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટજારી કરાયું છે.