ભારતીય મૂળની ગીતાંજલીને મળ્યું TIMEના કવર પેજ પર સ્થાન 

0
7231

ભારતીય મૂળની ગીતાંજલીને મળ્યું TIMEના કવર પેજ પર સ્થાન 

પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનમાં ‘કિડ ઓફ ધ યર’નો ખિતાબ ભારતીય મૂળની ગીતાંજલિ રાવને આપવામાં આવ્યો છે. ટાઇમે પોતાના કવર પેજ પર 15 વર્ષની ગીતાંજલીને ચમકાવી છે. ટાઇમ મેગેઝિનના કવર પર જેને સ્થાન અપાયું છે તે ગીતાંજલી રાવ વૈજ્ઞાનિક અને સંશોધક છે.  ટાઇમ મેગેઝિનના સેક્શન ટાઇમ સ્પેશ્યલ માટે હોલીવુડ સુપરસ્ટાર એન્જલિના જોલીએ ગીતાંજલીનો ઇન્ટરવ્યુ કર્યો છે.

ગીતાંજલિ રાવને 5,000થી વધુ ઉમેદવારોમાંથી ટાઇમના આ ખિતાબ માટે પસંદ કરાઇ છે. તેનું કામ લોકોને આશ્ચર્યચક્તિ કરે તેવું છે અને તેણે ટેક્નોલોજીની મદદથી પ્રદુષિત પાણીની સમસ્યાથી માંડીને વ્યસન અને સાયબર બુલિંગ જેવા વિષયો પર કામ કર્યું છે.

આ ઇન્ડિયન અમેરિકન છોકરીની પસંદગી અંગે ટાઇમ મેગેઝિને કહ્યું છે કે, “આ દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે અને ભલે અત્યારે વિશ્વમાં આટલી બધી અચોક્કસતા હોય પણ નવી પેઢી હકારાત્મક પ્રભાવ પાડવાની દિશામાં કામ કરે છે અને તે જ એક વિશ્વાસ પાછો અપાવતી બાબત છે.” 5000 બાળકોમાંથી ગીતાંજલીની પસંદગી કરવામાં આવી, ટાઇમે પહેલી વાર ‘કિડ ઑફ ધી યર’નો ખિતાબ જાહેર કર્યો છે.

ગીતાંજલીએ એક વર્ચુઅલ ટૉકમાં એંજેલિના જોલી સાથે પોતાના કોલોરાડોના ઘરેથી વાત કરી અને તેણે કહ્યું કે, “અવલોકન કરવું, મનોમંથન કરવું, સંશોધન કરવું, ઘડવું અને પછી તે અંગે કોમ્યુનિકેટ કરવું તે જ મારી પ્રોસેસ છે.”

તેણે પોતાના કામ અંગે પણ વિગતવાર વાત કરી અને કહ્યું કે તેનું મિશન છે કે તે યુવા સંશોધકોની વૈશ્વિક કોમ્યુનિટી ઘડે અને વિશ્વ આખાની સમસ્યાઓ ઉકેલે. ટાઇમ મેગેઝિને જણાવ્યા અનુસાર આ વિડીયો ચેટમાં તેનો જેનરસ સ્પિરીટ અને તેનું ધારદાર મગજ તરત દેખાઇ આવ્યું કે. તેણે બીજા યુવાનોને મેસેજ આપ્યો કે, દરેક પ્રોબ્લેમ ઉકેલવાનો પ્રયત્ન ન કરો પણ એની પર જ ફોકસ કરો જે તમને એક્સાઇટ કરતું હોય. તેમે એમ પણ કહ્યું કે જો હું આ કરી શકું તો કોઇપણ કરી શકે. તેણે ઉમેર્યું કે તેની પેઢી એ બધા જ પ્રોબ્લેમ્સનો સામનો કરે છે જે પહેલાં હતાં પણ નહીં.

ગીતાંજલીએ કહ્યું કે, “નવી સમસ્યાઓ ઉપરાંત આપણે જુની સમસ્યાઓનો સામનો પણ કરીએ છીએ, આપણે અહીં વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ પણ સાથે માનવ અધિકારના પ્રશ્નો તો છે જ. વળી એવા પ્રશ્નો છે જે આપણે નથી ખડા કર્યાં પણ તો ય આપણે તે ઉકેલવાના છે, ક્લાઇમેટ ચેન્જ છે અને ટેક્નોલોજીની કારણે શરૂ થયેલું સાઇબબુલિંગ પણ છે.”