2022માં સોનામાં સૌથી વધુ 16 ટકા મળ્યું રિટર્ન

0
111

સોનાના સતત વધી રહેલા ભાવો વચ્ચે બુધવારે અમદાવાદની બજારોમાં તે બે વર્ષની ટોચે પહોંચીને 57600 બોલાયા હતા. 4 જાન્યુઆરી 2022ના દિવસે જે લોકોએ 49700 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સોનુ ખરીદ્યું હતું તેમને એક વર્ષમાં 16 ટકા રિટર્ન મળ્યું છે. ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન (આઇબીજેએ)ના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે અમેરીકન ફેડરલ રીઝર્વ્સ દ્વારા વ્યાજદરમાં સતત વધારાના કારણે સોનાના ભાવો વધ્યા છે. આ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાના ધોવાણના કારણે સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવોમાં અસરકારક વધારો થયો છે. મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાની બેંકો પણ અત્યારે મોટા પ્રમાણમાં સોનુ ખરીદી રહી છે.આચાર્યએ કહ્યું ‘સ્થાનિક બજારોમાં સોનુ 61,000 પહોંચે તેવી આશા છે. ભાવો વધારે હોવા છતાં સોનામાં રોકાણ કરવાનો આ સારો સમય છે.’ અચોક્કસતાઓ વચ્ચે પણ આ પીળી ધાતુ ધીમે ધીમે રેકોર્ડ હાઇ ભાવો તરફ આગળ વધી રહી છે. જો કે વધતા ભાવોના કારણે રોકાણકારો ઓછો રસ દાખવી રહ્યા છે અને આભૂષણોના વેચાણને પણ અસર થઇ રહી છે. તેમ છતાં વિશ્લેષકો ભલામણ કરે છે કે આ વર્ષે જ્યારે પણ ભાવોમાં ઘટાડો આવે ત્યારે સોનુ ખરીદવું જોઇએ કેમકે આગામી મહિનાઓમાં તેના ભાવો વધી શકે છે.