હર ઘર તિરંગા:તા.13 થી 15 ઓગષ્ટ દરમિયાન રાજકોટ તિરંગાથી છવાઈ જશે:ઓફિસ,ઘર,જાહેર મિલકત પર તિરંગા લહેરાશે

0
103

હર ઘર તિરંગા:તા.13 થી 15 ઓગષ્ટ દરમિયાન રાજકોટ તિરંગાથી છવાઈ જશે:ઓફિસ,ઘર,જાહેર મિલકત પર તિરંગા લહેરાશે

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે અને તા. 13 થી 15 ઓગષ્ટ તમામ ઇમારતો ઉપર તિરંગો લહેરાવવા સરકારે જાહેર કરેલા રાષ્ટ્રભાવના સાથેના અભિયાન હેઠળ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ જાહેર થયો છે ત્યારે રાજકોટ મહાપાલિકાએ પણ આ વર્ષનું સ્વાતંત્ર્ય પર્વ યાદગાર અને ઐતિહાસિક બનાવવા તૈયારી કરી લીધી છે. રાજકોટની બે લાખથી વધુ ઇમારતો પર તિરંગો શાનથી લહેરાશે. આ દિવસો દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરાશે જે અંગે મેયર ડો. પ્રદિપ ડવે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં રહેણાંક મકાનો, વ્યાપારી સંકુલો, ઔદ્યોગિક કચેરીઓ, જુદીજુદી સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિવિધ ક્ષેત્રોનો સહયોગ મેળવવામાં આવશે, આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગાનું મહત્વ કેટલું છે તેનું ઉદાહરણ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ દરમ્યાન જોવા મળ્યું હતું.

યુક્રેનની ભૂમિ પરથી ભારતીય નાગરિકો અને છાત્રોનાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ભારતીયો અને પડોશી દેશના નાગરિકો પણ ભારતના ત્રિરંગા સાથે યુક્રેનમાંથી સહીસલામત બહાર નીકળી શક્યા હતાં.‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. સરકાર દ્વારા કોર્પો.ને 2 લાખ રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે ઉપરાંત વધુ જરૂર જણાયે સ્થાનિક કક્ષાએથી રાષ્ટ્રધ્વજ મેળવવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ દરમ્યાન શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાપારિક, ઔદ્યોગિક, સ્કુલ-કોલેજો વગેરે સંસ્થાઓ અને અલગ અલગ એસોસીએશનનાં સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

કોર્પો.ની 695 મિલકતો ઉપર તિરંગા લહેરાવવામાં આવશે તેમજ કર્મચારીઓની ટીમો બનાવી શેરીઓ અને સોસાયટીઓમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 18 વોર્ડની વોર્ડ ઓફિસેથી સામાન્ય દરથી નાગરિકો માટે રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરવામાં આવશે.આ તિરંગામાં ધ્વજની કિંમત રૂા. 25 આસપાસ અને સ્ટીકની કિંમત રૂા. 15 આસપાસ છે. જે નાગરિકોને વધુ રાહતદરે મળે તેવા પ્રયાસો કરાશે. આવા અવસરે કિંમત કરતા રાષ્ટ્રભાવના મોટી હોય છે તે તમામ લોકો સ્વયંભુ સ્વીકાર સાથે અભિયાનમાં જોડાશે તેમ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરો આશિષ કુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણી, સહાયક કમિશનર એચ. કે. કગથરા, એચ. આર. પટેલ, સાંસ્કૃતિક વિભાગના અમિત ચોલેરા, પીઆરઓ ભૂપેશ રાઠોડ વગેરે ઉપસ્થિત રહયા હતાં.