હીટ એન્ડ રન કેસ :અમદાવાદમાં મર્સિડીઝ કારચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારી ચાલક ફરાર

0
1927

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ ફરી શહેરમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મર્સિડીઝ કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ-પત્નીમાંથી પતિને ઈજા પહોંચી છે. હાલ પોલીસે કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી મર્સિડીઝ કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી.


પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલ એન-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.