હિટ એન્ડ રન: જામનગરમાં આંબેડકર બ્રિજ નીચે સૂઈ રહેલા વ્યક્તિને કારે ૨૦૦ મીટર ઢસડ્યો, ચાલક ફરાર

0
2602

જામનગર શહેરમાંથી હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના આંબેડકર બ્રિજ નીચે સૂતેલા એક વ્યક્તિને કારચાલકે અડફેટે લઈ ૨૦૦ મીટર સુધી ઢસેડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં આ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરના આંબેડકર બ્રિજ નીચે ગઈકાલે રાત્રે કનુભાઈ માધવજી રાઠોડ સૂતા હતા. આ દરમિયાન મોડી રાત્રે એક કારચાલકે બ્રિજની નીચે સૂતેલા કનુભાઈને અડફેટે લીધા હતા અને તેમને અંદાજે ૨૦૦ મીટર સુધી ઢસેડ્યા હતા. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી કનુભાઈને સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ પણ જી.જી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. હાલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.