વડાપ્રધાનના વડોદરાના વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૧૪૦૬ લાભાર્થીઓને ગૃહપ્રવેશ

0
9611

વડાપ્રધાનના વડોદરાના વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૧૪૦૬ લાભાર્થીઓને ગૃહપ્રવેશ

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓના શહેરી વિસ્તારમાં રહેતા BLC(બેનિફિસિયરી લેડ કન્સ્ટ્રક્શન)ના ૧૪૦૬ લાભાર્થીને ગૃહપ્રવેશનો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતે તા.૧૮ જુનના રોજ યોજાયેલ ‘ગુજરાત ગૌરવ અભિયાન’ના વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્વયે આ કાર્યક્રમ યોજાયો હતો.
રીજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીસ ડો. ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ ઝોન હેઠળના ૬ જિલ્લામાં કુલ ૩૦ નગરપાલિકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ છેલ્લા ચાર વર્ષમાં રૂ.૫૩૨.૩૮ કરોડના ૧૫૨૧૧ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ.૨૦૦.૭૯ કરોડના ૫૭૩૭ મકાનો પૂર્ણ થયેલ છે. જે પૈકી રાજકોટ જિલ્લાની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ રાજકોટ જિલ્લાની ૬ નગરપાલિકાઓમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ.૮૪.૮૫ કરોડના ૨૪૫૩ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ. ૨ લાખ રાજ્ય સરકાર દ્વારા અને રૂ.૧.૫ લાખ કેન્દ્ર સરકાર દ્વારા આમ કુલ રૂ.૩.૫ લાખ સહાય પ્રતિ લાભાર્થી/મકાન દીઠ ૬ હપ્તા પેટે ફાળવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના મંજૂર થયેલા કુલ ૨૪૫૩ આવાસ પૈકી રૂ.૪૯.૨૧ કરોડના ૧૪૦૬ મકાનો પૂર્ણ થઈ ગયેલ છે. જે પૂર્ણ થઈ ગયેલા મકાનોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા, ઉપપ્રમુખશ્રી રામાણી તથા મહામંત્રી ચાંગેલા, આ પ્રસંગે, જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.આર.ધાધલ અને ગોંડલ, જેતપુર અને ધોરાજી નગરપાલિકાઓના ચીફ ઓફિસર પણ ઉપસ્થિત રહયા હતા.