અમદાવાદમાં વધુ એક ટીનએજરે બેફામ કાર ચલાવી એકને લીધો અડફેટે

0
1258

ગુજરાતમાં કિશોર વયના છોકરાઓ બેફામપણે કાર ચલાવી લોકોને નુકસાન પહોંચાડતા હોવાની આજે 2 ઘટનાઓ બની છે. પહેલા રાજકોટમાં સોસાયટીની અંદર 18 વર્ષીય કિશોરે અકસ્માત સર્જ્યો અને હવે અમદાવાદના પ્રખ્યાત ગણાતા રિવરફ્રન્ટ રોડ પર વધુ એક 17 વર્ષના કિશોરે કાર અથડાવતા એક વ્યક્તિને ઇજા પહોંચાડી છે.

બનાવની વિગતો જોઇએ તો આ કિશોર ભાજપના કાર્યકર્તા ગૌતમ લોઢાનો પુત્ર છે. ખાડિયા વોર્ડ બક્ષીપંચ મોરચા ભાજપના ઉપપ્રમુખ ગૌતમ લોઢાનો 17 વર્ષીય પુત્ર લર્નિંગ લાયસન્સ પર કાર ચલાવી રહ્યો હતો. તે કામા હોટલથી એલિસબ્રીજ જઇ રહ્યો હતો તે સમયે એક વ્યક્તિને તેણે ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક્સીડન્ટ સમયે કાર પર બીજેપીના સિમ્બોલ વાળું સ્ટીકર પણ લગાવેલું હતું તેવું દ્રશ્યો જોતા જણાય છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ગૌતમ લોઢાના પુત્રને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

તથ્ય પટેલના કાંડ બાદ પણ રાજ્યમાં જે રીતે આ ઘટનાઓ બની રહી છે તેને જોતા કહી શકાય કે હજુપણ કેટલાક માતાપિતા એ સમજતા નથી કે પોતાના બાળકોની બેફામ ગતિ પર રોક લગાવવી જરૂરી છે. ગાડીની ચાવી આપતા તો અપાઇ જાય છે, પણ તે પછી જે સંજોગો સર્જાય છે એ માટે કોઇ માતાપિતા જવાબદારી લેવા તૈયાર નથી હોતા. ત્યારે આવી ઘટનાઓ સતત બનતી અટકે એ માટે પોલીસ અને માતાપિતા બંનેએ બાળકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.