રાજકોટમાં અત્યારે ઉનાળો ભૂક્કા કાઢી રહ્યો છે અને બપોરે તો ઠીક પરંતુ સવારે પણ અસહ્ય ગરમી પડી રહી હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને બપોરે ૧થી ૪ દરમિયાન જાણે કે કુદરતે જ કર્ફયૂ લાગુ કરી દીધો હોય તેવી રીતે લોકોની હાજરી નહીંવત્ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવી રીતે એક જ સપ્તાહમાં શરદી-ઉધરસ-ઝાડા-ઊલટીના કેસમાં ‘બમ્પર’ વધારો થવાની સાથે જ ડેંગ્યુનો ફૂંફાડો પણ યથાવત રહેવા પામ્યો હોવાનું ચિત્ર મહાપાલિકાના ચોપડે નોંધાયું છે.
ડેંગ્યુને અટકાવવા ૨૯૪ રહેણાક, ૫૩ કોમર્શિયલ મિલકતને નોટિસ: ૨૧૫ ઘરમાં ફોગિંગ તો ૧૨૪૪૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કર્યાનો તંત્રનો દાવો
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાનો સાપ્તાહિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે પ્રમાણે તા.૧૫ થી ૨૧ મે દરમિયાન શરદી-ઉધરસના ૧૮૮ કેસ, સામાન્ય તાવના ૨૯, ઝાડા-ઊલટીના ૧૦૧ કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડ, કમળો અને મરડાનો એક પણ કેસ નહીં મળ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે એક સપ્તાહમાં ડેંગ્યુના બે કેસ મળ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં મચ્છરોનું અતિક્રમણ ઓછું રહેતું હોય છે આમ છતાં ડેંગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળાના બે દર્દીઓએ તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે.
જો કે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નહીં નોંધાતાં તંત્રએ થોડો રાહતનો શ્વાસ જરૂર લીધો છે. મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શહેરમાં તા.૧-૧-૨૦૨૩થી તા.૨૧-૫-૨૦૨૩ સુધીમાં મેલેરિયાના છ, ડેંગ્યુના ૨૦ અને ચિકનગુનિયાના બે કેસ મળ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના કુલ૬૮૭૦, સામાન્ય તાવના ૮૨૧, ઝાડા-ઊલટીના ૧૭૪૯ દર્દી નોંધાયા છે. જ્યારે પાંચ મહિના દરમિયાન ટાઈફોઈડ, કમળો અને મરડાના એક પણ દર્દી મળ્યા નહીં હોવાનું જાહેર કરાયું છે. જો કે વાસ્તવિક્તા એ પણ છે
મહાપાલિકા દ્વારા રોગચાળાના જેટલા આંકડા જાહેર કરવામાં આવે છે તેના કરતા ચોપડે વધુ જ નોંધાયેલા હોય છે ! બીજી બાજુ મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે તા.૧૫-૫થી તા.૨૧-૫ દરમિયાન ૧૨૪૪૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તો ૨૧૫ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આવી જ રીતે ડેંગ્યુના રોગચાળાને અટકાવવા માટે રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે
તો તે જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી દંડની વસૂલાત કરવામાં આવશે. આ કાર્યવાહી અંતર્ગત રહેણાક સિવાય અન્ય પ્રિમાઈસીસ જેવી કે બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેને ત્યાં મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી છે જે અંતર્ગત રહેણાક મિલકતોને ૨૯૪ અને કોમર્શિયલ 53 મિલકતોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.