ચાલુ સિઝનમાં જામનગરના માર્કેટિંગ યાર્ડમાં મબલક જીરાની આવક નોંધાઈ ; જીરાના મણના ભાવ ૧૨,૨૦૦ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

0
2379

અન્ય રાજ્યમાં જીરાનું ઉત્પાદન ઓછું થતા ગુજરાતમાં જીરાના ભાવ ત્રણ ગણા થયા છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાના એક મણના ભાવ ૧૨,૨૦૦ નોંધાયા છે. મોડેથી વેચાણ માટે આવેલા ખેડૂતો સારા ભાવ મળતા સંતોષ વ્યક્ત કર્યો છે.
ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે જીરાના પાકને નુકશાન થતા ગુણવતાયુકત જીરાનું ઓછુ ઉત્પાદન થયું છે. જેની સામે માંગ વધુ છે. આથી જીરામાં સટ્ટાખોરીની સાથે સંગ્રાહખોરી શરૂ થઇ છે. આથી જામનગર યાર્ડમાં જીરાના રોજ રેકર્ડબ્રેક ભાવ બોલાઇ રહ્યા છે. જામનગર માર્કેટ યાર્ડમાં ૫૫ ખેડૂતો જીરૂ વેચવા આવતા ૨૦૦૧ મણ આવક થઇ હતી. હરાજીમાં જીરાનો ભાવ રૂા.૯૦૦૦-૧૨,૨૦૦ બોલાયો હતો. ઘંઉની ૧૯૫૮, ચણાની ૧૦૭૦, અરેંડાની ૫૩૩, તલની ૧૦૦૦, રાયડા-રાયની ૫૪૩, લસણની ૪૭૦૪, કપાસની ૧૯૯૦, અજમાની ૫૮૯, ધાણા-ધાણીની ૨૧૮૨, સીંગદાણાની ૧૪૪, વટાણાની ૧૦૮ મણ અવાક થઇ હતી. હરાજીમાં મગના રૂા.૧૬૧૦, અડદના રૂા.૧૬૩૫, તુવેરના રૂા.૧૬૦૫, ચોળીના રૂા.૨૬૦૫, ચણાના રૂા.૧૨૩૫, લસણના રૂા.૨૫૮૦, કપાસના રૂા.૧૪૪૦, અજમાના રૂા.૪૧૦૦ બોલાયા હતા.


ચાલુ સિઝનમાં જામનગરના માર્કેટિંગ યાર્ડમાં મબલક જીરાની આવક થઈ છે. જ્યારે ભાવો પણ સૌથી વધુ ચાલુ સીઝન દરમિયાન ખેડૂતોને મળી રહ્યા છે. નીચામાં નીચા રૂપિયા ૪૦૦૦થી લઈને હાલમાં ૧૨,૨૦૦ રૂપિયા સુધી એક મણ જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ વાત કરીએ તો ગત વર્ષે જીરાના ઊંચામાં ઊંચા ભાવ ૫૬૦૦ બોલાયા હતા. જ્યારે આ વર્ષે ચાલુ સિઝનમાં જીરાના ભાવ ૧૨,૨૦૦ સુધીમાં પહોંચ્યા છે. જેનું મુખ્ય કારણ ખાસ કરીને અન્ય જીરું પકવતા રાજ્યમાં જીરાનો પાક નિષ્ફળ ગયો છે અને સૌરાષ્ટ્રમાં જીરામાં માવઠાની અસરના કારણે સારી કોલેટીના જીરાનું ઉત્પાદન ઓછું થયું હોવાથી આ ભાવો જોવા મળી રહ્યા છે. તેવું જામનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે અને ઘનશ્યામ વાદી, ઈન્સ્પેક્ટર , હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ માસથી જીરાની આવક થઈ રહી છે. જેમાં દિવસેને દિવસે વધારો નોંધાય છે. અગાઉ ૪૦૦૦ થી ૬૦૦૦ સુધીનો ભાવ એક મણ જીરાના ખેડૂતોને મળતા હતા. જેમાં સતત થતા વધારાથી હાલ એક મણનો ભાવ 9,000થી ૧૨,૨૦૦ સુધી નોંધાયો છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોએ જીરુના ભાવને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે તેવુ ખેડૂત વદશી ચાવડાએ જણાવ્યું હતું.