“ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ નિર્માણ પામેલા આવાસોનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
9706

“ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ નિર્માણ પામેલા આવાસોનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત આજરોજ વડોદરા ખાતે ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેના ઉપલક્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા ૧૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ કેટેગરીના ૧૮૦૮ આવાસોનું લોકાર્પણ, ૧૦૪૨ આવાસોના નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી.હેઠળ રૂપિયા ૧૭.૦૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૪૮૭ આવાસોના ગૃહ પ્રવેશ, એ.એચ.પી હેઠળ રૂપિયા ૧૬૬.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૯૮૨ આવાસોનું લોકાર્પણ અને બી.એલ.સી.હેઠળ રૂપિયા ૩૩.૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૯૭૦ આવાસોનો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને આવાસની ચાવી અને કળશ આપવામાં આવ્યા હતા. તેમજ આવાસોની ડ્રો ફાળવણી કરવામાં આવી હતી.

ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વની હેઠળની રાજ્ય સરકારે પંડિત દિન દયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની વિચારધારા ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. માત્ર ચર્ચાઓ અને વાયદાઓ નહીં પરંતુ નક્કર કામ કરીને બતાવ્યું છે. જનતાઓ વચ્ચે જઈને જનતાએ સોંપેલા કામોને પુરા કરીને તેમની સુખ સુવિધામાં વધારો કર્યો છે. દેશનો કોઈપણ નાગરિક ઘર વિહોણો ન રહે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. આજે એનું જ પરિણામ આપ સૌની સામે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગીય પરિવારોના “ધરનું ઘર” નું સ્વપ્નાઓ સાકાર થઈ રહ્યા છે. તેમજ સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાના સુખ દુઃખમાં ખભે ખભો મિલાવીને સાથે ઉભી છે, તેમ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યુ હતું.

લોકોને સલ્મ વિસ્તાર નહીં પરંતુ ક્રીમ વિસ્તારમાં સુવિધાયુક્ત આવાસો આપવાના આયોજન અંગેની વાત કરતાં મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, ઘર એ દરેક વ્યક્તિના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે દરેક મધ્યમવર્ગીય પરિવારોની આ પ્રાથમિક જરૂરિયાત પુરી થાય એ માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા માત્ર આવાસ બનાવીને સંતોષ નથી માન્યો પરંતુ ખાનગી આવાસોમાં જે સુવિધાઓ હોય તેવી જ સુવિધાઓ અમે આવાસોમાં આપી છે. એટલું જ નહીં આવાસોમાં ગાર્ડન, પાણી રિચાર્જ, સોલાર રૂફ ટોપ, વેન્ટીલેશન સહિતની સુવિધાઓ પુરી પાડી છે. તેમજ નજીકમાં આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ મળી રહે તેવી પાયાની બાબતોનું ધ્યાન રાખ્યું છે.
આ તકે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેલવે વિભાગના ૧૬ હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ લાખ ૪૧ હજાર આવાસોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમજ તમામ આદિજાતિ તાલુકા માટે પોષણ સુધા યોજના લોન્ચ કરી હતી અને ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. વધુમાં મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વિવિધ વિભાગના કામોના ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સંસદ સભ્ય  રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રામભાઈ મોકરીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી કમલેશભાઈ મીરાણી, બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુ.કમિશનર એ.કે. સિંઘ અને ચેતન નંદાણી, વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, કોર્પોરેટશ્રીઓ સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.