કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબર ડેરીના ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત:ભારતના ચીઝ માર્કેટમાં 70 ટકા માર્કેટ શેર સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે

0
1412

કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબર ડેરીના ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત:ભારતના ચીઝ માર્કેટમાં 70 ટકા માર્કેટ શેર સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28 જુલાઈના રોજ સાબર ડેરીના ૩ નવા પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવાના છે, જે ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.  તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે નવતર અભિગમ અને નીતિઓ સાથે કામગીરી કરી રહી છે.
5 એકર વિસ્તારમાં ચીઝ પ્લાન્ટનું નિર્માણ
5 એકર વિસ્તારમાં 600 કરોડના રોકાણથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા અનુસાર ચીઝની માંગ 15%ના દરથી વધી રહી છે તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી 2023-24ના ગાળામાં માંગને પહોંચી વળવામાં સહાયતા થશે. અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું નિર્માણ કરવામા આવશે. 2024 સુધીમાં આ પ્લાન્ટ નિર્માણ પૂર્ણ કરવામા આવશે.
સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક 700 કરોડની આવક થશે
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે નવી ચીઝ ફેક્ટરીમાં વાર્ષિક 1.2 કરોડ લિટર દૂધનો ઉપયોગ થશે અને તેનાથી સંકળાયેલા પશુપાલકોને વાર્ષિક 700 કરોડની વધારાની આવક થશે. ભારતમાં ચીઝનું માર્કેટ રૂ. 3 હજાર કરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં 6 હજાર કરોડ સુધી જવાની સંભાવના છે. ગુજરાતનું અમુલ અત્યારે ભારતના ચીઝ માર્કેટમાં 70 ટકા માર્કેટ શેર સાથે ટોચનું સ્થાન ધરાવે છે.
ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય 60 હજાર કરોડનો
ગુજરાતમાં 24 સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક 250 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી 5મા ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બાકીના દુધનો ઉપયોગ પાવડર, બટર, પનીર, ચોકલેટ સહિતના ઉત્પાદો બનાવવામાં થાય છે. સહકારી માળખા મારફતે ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય 60 હજાર કરોડનો છે.
છેલ્લા દસ વર્ષમાં ચીઝની માંગ 5 ગણી વધી ગઇ છે. તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી આવનારા દિવસોમાં ખેડૂતોને દૂધના વધુ ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે. ગુજરાતમાં ચીઝના અત્યારે ત્રણ પ્લાન્ટ છે. જેમાં અમુલ ફેડ ડેરી પ્લાન્ટ- ભાટ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ- ખાત્રજ અને બનાસ ડેરીના દિયોદર પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાબર ડેરીના આ પ્લાન્ટથી ગુજરાતમાં ચીઝ ઉત્પાદન વધી જશે અને તેનાથી રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થશે.
*લોકાર્પણ અને ભૂમિપૂજનની વિગતો*
• મુખ્ય ડેરી પ્લાન્ટની બાજુમાં રૂ ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન
• ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT)  ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ
• 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક 120 ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ