વરસાદી વાતાવરણમાં મચ્છરજન્ય રોગમાં વધારો:4 ડેન્ગ્યુ સહિત 100થી વધુ તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાયા
હાલ વરસાદી વાતાવરણના કારણે લોકોમાં બીમારી વધુ જોવા મળી રહી છે શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 4 કેસ, શરદી-ઉધરસના 336, તાવના 103 અને ઝાડા-ઊલ્ટીના 98 કેસ નોંધાયા છે.મચ્છરજન્ય રોગચાળાના કારણે ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 8થી 14 ઓગસ્ટ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 25,265 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા 1156 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી હેઠળ સેલેનીયમ સીટી માઘા૫ર પોસ્ટ ઓફિસ સામેનો વિસ્તાર, કરણપરા 1થી 39, બાબરીયા આવાસ યોજના, રૈયાધાર કિષ્નાહેવનથી રામાપીર ચોકડી સુધી, નાણાવટી ચોકથી રામાપીર ચોકડી ડાબી સાઇડ રૈયાધારના ચોક સુધી, કિષ્નાપાર્ક શેરી નં. 3 બન્ને સાઇડથી સાધુવાસવાણી રોડ તરફથી શાંતિનગર મેઇન આલાપ ગ્રીન સીટી સુધી, સાધુવાસવાણી રોડથી ક્રિષ્ના પાર્ક શેરી નં. 1થી 4 તથા મેઇન રોડ, ચિત્રકુટધામ સોસાયટી શેરી નં. 1થી 4 સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 242 બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક
સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરીની મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 260 આસામીને નોટિસ આપવામાં આવી હતી