ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ :આજે તથ્યના કેસની ૫ હજાર પેજની ચાર્જશીટ લઈ પોલીસ અમદાવાદ જિલ્લા કોર્ટ પહોંચી

0
512

ગત બુધવારે (૧૯ જુલાઈએ) મોડીરાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે ૯-૯ લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન ૨૪મી જુલાઈએ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો હતો. ત્યારે આરોપી તેના પિતા સાથે જેલમાં છે ત્યારે પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે એટલે કે આજે ચાર્જશીટ ફાઈલ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચી છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યારસુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસ આજે ૫ હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરવા પહોંચી છે. એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને પહોંચ્યા છે.
આવતી કાલે સવારે ૧૧ વાગ્યે ૫૦૦૦ પાનાની ચાર્જશીટ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં ૩૦૮ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. તથ્ય મામલે dna રિપોર્ટ હાલ મળી ગયો છે. પોલીસ તે જોઈને સબમિટ કરશે.
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી ૨ ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC ૩૦૪, ૨૭૯, ૩૩૭, ૩૩૮, મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ આ ઉપરાંત માનવવધ કલમ ૩૦૪ અને ૨૭૯ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ૧૮૪ ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ ૩૭૭, ૩૩૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેગુઆર કારનું રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે ૧૩૭ કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે ૧૦૮ કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. જેગુઆર કારનો રિપોર્ટ તથ્યની ગુનાહિત માનસિકતા, એટલે કે કારને અકસ્માત સુધીના સમયની કારની સ્થિતિ જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ સમગ્ર અકસ્માત દરમિયાન કારની કેટલી સ્પીડ હતી, એ જાણવા માટે અલગ-અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં હવે જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે. એ રિપોર્ટની અંદર અકસ્માત પહેલાં કારની સ્પીડ ૧૩૭ પ્રતિ કલાક હતી, જ્યારે કાર લોકો સાથે અથડાઈ ત્યારે એની સ્પીડ રોકાતાં રોકાતાં ૧૦૮ પ્રતિ કલાક થઈ હતી અને કાર ત્યાર બાદ લોક થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારના રિપોર્ટમાં એવું સત્ય પણ સામે આવ્યું છે કે કાર જ્યારે તથ્ય ચલાવી રહ્યો હતો ત્યારે એનું એક્સિલેટર પૂરું દબાયેલું હતું. એટલું જ નહીં, કારનો અકસ્માત થયો ત્યારે અને એ પહેલાં પણ બ્રેક પર પગ મૂકવામાં આવ્યો નહોતો. કાર ઓટોમેટિક બ્લોક થઈ હતી. કારના અકસ્માત બાદ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે કારની વિઝિબિલિટી સ્પષ્ટ હતી. કારની બ્રેકિંગ સિસ્ટમ પણ બરાબર કાર્યરત હતી.
૩ દિવસના રિમાન્ડ પૂરા થતાં (૨૪ જુલાઈએ) પણ ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં પોલીસે કોરિડોર બનાવીને આરોપીને હાજર કર્યો હતો. પોલીસ-જાપતામાં આરોપીને કોર્ટ રૂમની પાછળના ભાગે આવેલા કઠેડામાં બેસાડાયો હતો. જોકે પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં છે.
આરોપીને ૨૪ જુલાઈએ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર નથી આપતો. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો એની પણ તપાસની જરૂર.
શેલા તરફના રસ્તેથી એક થાર ગાડી રાત્રે ૧૨:૩૫ વાગ્યે એસજી હાઈવે પર ચડી હતી. આ ગાડી ગાંધીનગર તરફ જઈ રહી હતી. કર્ણાવતી ક્લબ પાસે જ્યારે આ ગાડી પહોંચી એ સમયે બીજી એક થાર પણ એની પાસપાસ દોડવા લાગી હતી. ફુલ ઝડપે જ્યારે આ બે ગાડી આગળ વધી ત્યારે એમાંની એક ગાડી ઇસ્કોન બ્રિજ પર જઈ રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ ૨૦થી ૨૫ લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું. આ જ સમયે કર્ણાવતી ક્લબ તરફથી તથ્ય અને તેના મિત્રો જેગુઆર કાર લઈને અંદાજિત ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યા અને થારની આસપાસ ઊભેલા લોકોને ફંગોળી નાખ્યા હતા.
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જે મુદ્દે આગામી ૨૮ જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપી તથ્ય પટેલના પિતાને અકસ્માતની ખબર પડતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમજ લોકોને ધમકાવીને પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા. જો કે તેમણે તે વખતે જામીન અરજી કરી નહોતી.
પ્રગ્નેશ પટેલની જામીન અરજીમાં તેઓએ ટોળાને રિવોલ્વર બતાવી નથી. તેમજ આગળ પણ તપાસમાં સહકાર આપશે તેવી રજૂઆત કરાશે. ઉપરાંત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રજ્ઞેશ પટેલ પોતાના દીકરાને માનસિક ટેકો પૂરો પાડવા જામીન નહોતા માંગ્યા. જો કે બહાર રહીને તેઓ તથ્ય માટેની કાનૂની લડત લડશે.