જબરૂ હો પણ…: કોસ્મેટિકનો ધંધો ન ચાલ્યો એટલે કમલેશે જાલીનોટમાં ઝંપલાવ્યું, પોલીસે પગેરૂ હવે હૈદરાબાદ લંબાવ્યું

0
114

રાજકોટ તા.23
દેશના અર્થતંત્રને નબળુ પાડવા જાલીનોટો મોટા પાટે દેશમાં ઘુસાડવાના પડોશી દેશના કારસ્તાન અનેક વખત અગાઉ ઉઘાડા પડ્યા છે. હવે તો અમુક લોકો પોતાની નાણાભીડ દૂર કરવા જાતે જ કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવા માંડી ચલણમાં મુકી દેતાં હોવાનું પણ સામે આવે છે. હાલમાં રાજકોટ એ-ડિવીઝન પોલીસે જાલીનોટનું જે કારસ્તાન ઝડપી લીધું છે તેની સર્વત્ર ચર્ચા છે. અમરેલીના રાજુલાથી વાયા રાજકોટ અને પુના થઇ આ કારસ્તાન હવે હૈદરાબાદ સુધી પહોંચ્યું છે. નકલી નોટો રાજકોટ મોકલનારા પુનાના કમલેશે જબરૂ કારસ્તાન આચરી આ જાલીનોટો હૈદરાબાદથી મંગાવી હોવાનું સામે આવતાં હવે પોલીસનું તપાસનું પગેરૂ હૈદરાબાદ તરફ લંબાયુ છે. કોસ્મેટીકનો ધંધો ન ચાલ્યો એટલે આ કમલેશે આવું કોૈભાંડ આચર્યુ હોવાનું સામે આવતાં વધુ એક વખત એ વાત સાબિત થઇ છે કે ટૂંકા માર્ગે નાણા મેળવવા માણસ કંઇપણ કરતાં અચકાતો નથી, એ પછી ભલે જેલની સફર કરાવી દે તેવો ગુનો કેમ ન હોય!
અમરેલીના રાજુલામાં રહેતાં ભરત બોરીચા નામના શખ્સે ઠંડાપીણાની ફેક્ટરી ચાલુ કરવા કરોડોનું રોકાણ કર્યુ હતું અને તેણે આ ધંધા માટે ખુટતી રકમ સગા સંબંધીઓ પાસેથી લીધી હતી. પરંતુ ખોટ આવી જતાં તે મુંજાયો હતો અને લેણદારોને નાણા કેમ ચુકવવા? એ વિચારી અલગ અલગ રસ્તા શોધી રાો હતો. જેમાં તેનું દિમાગ ટૂંકા રસ્તે નાણા રળવાના ગુનાખોરીના રસ્તે વધુ દોડ્યું હતું અને જાલીનોટ ગમે ત્યાંથી મેળવીને તેની સાથે અસલી નોટો મિક્સ કરીને દેણામાંથી નીકળી જવાનો ખોફનાક પ્લાન તેણે ઘડી કાઢ્યો હતો. તેના આ પ્લાનને અમલમાં મુકવાની શરૂઆત તેના જ રાજુલામાં રહેતાં મિત્ર તેજસ મારફત થઇ હતી. તેજસે રાજકોટ રહેતાં પોતાના મિત્ર વિમલ અને તેના ભાઇ મયુરનો સંપર્ક કરી આ બંનેના મિત્ર જંકશનના ગુરપ્રીતસિંઘનો કોન્ટેક્ટ કરાવ્યો હતો અને ગુરપ્રીતસિંઘે પુના સ્થિત મામાના દિકરા કમલેશ ઉર્ફ કનૈયાલાલનો કોન્ટેક્ટ કરતાં જાલીનોટોનો જથ્થો રાજકોટ આવ્યો હતો અને ભરતે તેને આંગડિયા મારફત વહેતો કરી દીધો હતો. પણ પાપ તો પાપ છે એ છાપરે ચડે જ એમ આ ટોળકીનો ભાંડો ફુટી ગયો.

આ સમગ્ર કારસ્તાન એ-ડિવીઝન પોલીસે ઉઘાડુ પાડી શરૂઆતમા ભરત તથા તેના મિત્ર અને રાજકોટના ત્રણ સહિત પાંચને પકડ્યા બાદ જેના મારફત જાલીનોટો પુનાથી આવી હતી એ જંકશનના ગુરપ્રિતસિંઘના મામાના દિકરા એવા પુનાના પીંપરીના કમલેશ ઉર્ફ કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીને પણ પોલીસે દબોચી લઇ તેની પાસેથી 500ના દરની વધુ 2415 નકલી નોટો રૂા. 12,07,500ની કબ્જે કરી હતી. દસ દિવસના રિમાન્ડ પર રહેલો કમલેશ હૈદરાબાદના શખ્સ પાસેથી આ જાલીનોટો બે ખેપમાં લાવ્યાનું ખુલતાંં પોલીસ તેને સાથે લઇ હૈદરાબાદ તપાસ માટે રવાના થઇ છે. આ કૌભાંડમાં અગાઉ પકડાયેલા અને રીમાન્ડ પર રહેલા આરોપી ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચાની પુછપરછ દરમિયાન વધુ નકલી નોટો તેના વતન દુર્લભનગર સોસાયટી રાજુલા ખાતે ઘરમાં રાખી હોવાનું તેણે કબુલતા રૂ.2000ના દરની 1 તથા રૂ.500ના દરની નકલી નોટ નંગ-143 તથા રૂ.200ના દરની નકલી નોટો નંગ- 99 તથા રૂ.100ના દરની નકલી નોટો નંગ-272 એમ મળી કુલ અલગ અલગ દરની નોટ નંગ-515 રૂપિયા 1,20,500ની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા કબ્જે કરવામાં આવી હતી.

આંગડિયા પેઢીમાં જમા થયેલી અસલી-નકલી નોટો ત્યાંથી લ આરોપીઓમાં ભરત ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા (ઉ.વ.40 રહે.નીઘી એપાર્ટમેન્ટ સાઘુવાસવાણી રોડ રાજકોટ મુળ રહે.દુર્લભ નગર સોસાયટી મહુવા રોડ રાજુલા જી.અમરેલી), તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી ઉ.વ.30 રહે.નિલકંઠપાર્ક રામનગર સોસા.બાબરા જી.અમરેલી), વિમલ બીપીનભાઇ થડેશ્ર્વર (ઉ.વ.39 રહે.પેન્ટાગોન એપા.સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે મોટામવા રાજકોટ), ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી (ઉ.વ.47 રહે.જંકશન પ્લોટ દેના બેંકની સામે રાજકોટ ) અને મયુર બીપીનભાઇ થડેશ્ર્વર (ઉ.વ.43 રહે.જંકશન પ્લોટ શેરીનં.13/7 રાજકોટ)ની ધરપકડ થતાં ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જે આજે પુરા થતાં સાંજે પાંચેયને કોર્ટ હવાલે કરાશે.

બેંકના ભરણામાં આવેલી જાલીનોટની તપાસમાં સમગ્ર કોૈભાંડ ખુલ્યું હતું. પોલીસે અગાઉ માં રૂ.500ના દરની 513 નકલી નોટો રૂપિયા.2,56,500ની કબ્જે કરી હતી. વધુ 3443 નકલી નોટો કબ્જે થઈ છે. દસ દિવસના રિમાન્ડ પર રહેલો અને નકલી નોટો મોકલનારો પુનાના પીંપરી કમલેશ ઉર્ફ કનૈયાલાલ જેઠવાણીને કબુલ્યું છે કે પોતે અગાઉ ચોકલેટ-પીપરેમન્ટ તથા કોસ્મેટીક્સનો ધંધો કરતો હતો. પરંતુ જીએસટી આવ્યા બાદ આ ધંધામાં જામ્યું નહોતું. એ દરમિયાન વ્હોટ્સએપ ચેટ મારફત હૈદરાબાદના શખ્સનો સંપર્ક થયો હતો અને તેની પાસે જાલીનોટો હોવાનું જાણી પોતાના રાજકોટ રહેતાં મામાના દિકરા ગુરપ્રિતસિંઘને વાત કરી હતી અને કોઇ ગ્રાહક હોય તો શોધી કાઢવા કહેતાં ગુરપ્રિતસિંઘે જ બીજા મિત્રો મયુર, વિમલ મારફત રાજુલાના તેજસનો સંપર્ક કરી ભરત સુધી પહોંચી તેને જાલીનોટો આપી હતી.

કમલેશ પહેલી વાર રાજકોટ બે પાંચસોવાળી જાલીનોટ બતાવવા આવ્યો હતો. જે ભરતે ઓકે કરી હતી એ પછી તેણે પહેલી ખેપમાં પાંચ લાખની અને બીજી ખેપમાં બાર લાખની નોટો મંગાવી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે ભરતના ઘરેથી વધુ જાલીનોટો કબ્જે કરી તેમાં 500ની સાથે 100, 200 અને 2000ના દરની નકલી નોટો પણ હતી. આ સમગ્ર કારસ્તાન કોસ્મેટીકના ધંધામાં જમાવટ ન થવાને લીધે પુનાના કમલેશે વિચાર્યુ હતું અને આદર્યુ પણ હતું અને રાજુલાના ભરતે તેના આ કારસ્તાનને આગળ વધારવામાં ટેકો આપ્યો હતો તેમ કહી શકાય. બંને નાણાભીડમાં હોઇ બંનેએ અલગ અલગ રાજ્ય અને શહેરમાં એક સરખુ જ ખોટુ કામ વિચાર્યુ હતું અને એ હતું જાલીનોટો વટાવવાનું. પણ ખોટુ આખરે છાપરે ચડે જ છે એ વાત અહિ પણ લાગુ પડી છે.

પોલીસ ઇન્સ્પકેટર કે.એન.ભુકણ, પીએસઆઇ જી.એન.વાઘેલા, બી.એચ.પરમાર, કે.કે.પરમાર તથા એએસઆઇ એમ.વી.લુવા, બી.વી.ગોહિલ, હેડકોન્સ. વીરભદ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ચરમટા, કોન્સ. જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, ભગીરથસિંહ ઝાલા,હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નીરવભાઇ ખીમાણી, અશ્ર્વીનભાઇ પંપાણીયા તથા સંજયભાઇ જાદવ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. હવે પોલીસનું તપાસનું પગેરૂ હૈદરાબાદ સુધી લંબાયુ છે. દસ દિવસના રિમાન્ડ પર રહેલા કમલેશને લઇને પોલીસ હૈદરાબાદ જવા રવાના થઇ છે. ત્યાંથી નકલી નોટો મોકલનારો જો મળશે તો મસમોટુ બીજુ કારસ્તાન સામે આવવાની પોલીસને આશા છે. હૈદરાબાદના ઇશ્ર્વર સ્વામી નામના શખ્સે લાખોની જાલીનોટો આપી હોવાનું કમલેશે કબુલતાં તેને સાથે લઇને પોલીસ હૈદરાબાદ જવા રવાના થઇ છે. પોલીસ હવે ઇશ્ર્વરના આશરે છે! એટલે કે ઇશ્ર્વર પકડાશે તો વધુ કારસ્તાન સામે આવશે તેવો આશાવાદ છે.