જામનગર: સપડા ડેમમાં નહાવા પડેલા એક સાથે પાંચ વ્યક્તિના ડૂબી જવાથી મોત

0
3536

વરસાદી માહોલમાં પૂર તથા ડેમોમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ વચ્ચે આજે જામનગરના સપડા ડેમમાં એક સાથે પાંચ વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. સપડા ડેમમાં બે પરિવારના પાંચ સભ્યો નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, ૧૦૮ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ.અર્થે ખસેડાયા હતા.
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી)એ થોડા દિવસો પહેલાં કાર લીધી હતી. મહેશભાઈ પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશી સાથે સપડા ડેમ ફરવા ગયા હતા. આ પાંચેય લોકો ડેમમાં નહાવા પડ્યા હતા. આ સમયે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા પાંચેય મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, ૧૦૮ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્ય મહેશભાઈ કારાભાઈ મંગે (ઉ.૪૪), લીનાબેન મહેશભાઈ મંગે (ઉ.૪૧) તથા તેમનો પુત્ર સિદ્ધ મહેશભાઈ મંગે (ઉ. ૨૦) ઉપરાંત પાડોશી પરિવારના માતા-પુત્રમાં માતા અનિતાબેન વિનોદભાઈ દામા (ઉ.૪૦) અને ધોરણ-૧૦માં ભણતા પુત્ર રાહુલ વિનોદભાઈ દામા (ઉ.૧૭)નો સમાવેશ થાય છે.
મહેસાણા ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો સિદ્ધ મહેશભાઇ મંગે રજા હોવાથી ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. આજે રજા હોવાથી પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. જ્યાં ડૂબી જતાં મોતને ભેટ્યો છે.