જામનગર: દરેડમાં પરપ્રાંતિય મહિલાને ગળાટૂંપો આપી હત્યા કરનાર આરોપીને ધરપકડમાં LCBને મળી સફળતા

0
947

જામનગર નજીક દરેડમાં પરપ્રાંતિય મહિલાને ગળાટૂંપો આપી હત્યા કરવાના ચકચારી ગુનામાં પોલીસની લાંબી તપાસ બાદ મધ્યપ્રદેશ જતા રહેલા આરોપીને દબોચીને જામનગર લઈ આવવામાં એલસીબીને સફળતા મળી છે. બીજી બાજુ પ્રાથમિક તપાસમાં આ હત્યા પૈસાની લેતીદેતીમાં થઈ હોવાનું જાણવા મળે છે.
જામનગરના દરેડમાં આવેલી ઓરડીમાં ગત તા.૨૨-૪-૨૦૨૩ના રોજ કમલાસીંગ બલરામસીંગ બઘેલની પત્ની મીનાબેન પોતાની ઓરડીમાં એકલી હતી ત્યારે સાંજના સમયે શંકાસ્પદ હાલતમાં તેણીની લાશ મળી આવી હતી. પોલીસે પ્રથમ તો શંકા ગઈ ન હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પંચ-બી તથા એલસીબીએ તપાસ હાથ ધરી સર્વેલન્સની ટીમો કાર્યરત કરી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સેલની મદદ લીધી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે, બનાવના દિવસે જવાહરસીંગ ખુશીરામ જાટવ (રહે. પોચોખરા, તા. ઈન્દરગઢ, જિ. દતીયા, મધ્યપ્રદેશ)ની હાજરી બોલતી હતી અને તે દિવસથી તે તેની પત્નીને લઈને ગુમ હતો. પોલીસ દ્વારા મધ્યપ્રદેશ જઈ તપાસ કરવામાં આવી હતી અને આરોપી જવાહરસીંગને પકડીને પૂછપરછ કરતા તેણે આવેશમાં આવીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પૈસાની લેતીદેતીમાં થઈ હતી. જેમાં મહિલા સાથે બોલાચાલી થતા જવાહરસીંગે તેને ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી. એલસીબી દ્વારા આરોપીને મધ્યપ્રદેશથી પકડીને જામનગર લવાયો છે.