રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેનપદે ત્રીજી વખત જયેશ રાદડીયા ચૂંટાયા

0
248

અઢી વર્ષ માટે જિલ્લા બેંકનું ચેરમેનપદ સંભાળશે વાઇસ ચેરમેન તરીકે મગન વડાવીયા રીપીટ

ભાવનગરમાં સહકારી બેંકોમાં મોખરાનું સ્થાન ધરાવનાર અને ઝીરો ટકા ધિરાણને દેશભરમાં પ્રચલિત કરનાર રાજકોટ જીલ્લા બેંકના ચેરમેનપદે જયેશ રાદડીયા રીપીટ થયા છે. વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયા પણ બીનહરીફ થયા હતા.

સહકારી કાયદા અંતર્ગત સહકારી સંસ્થાઓના હોદેદારોની મુદત અઢી વર્ષની છે. પાંચ વર્ષની ટર્મમાં દર અઢી વર્ષે હોદેદારોની ચૂંટણી કરવાનું ફરજીયાત છે. રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડીયા જુથનું એકચક્રી શાસન છે. જીલ્લા બેંકના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુર્ણ થતી હોવાથી બાકીના અઢી વર્ષની મુદત માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં ચેરમેનપદે જયેશ રાદડીયા તથા વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયા, બીનહરીફ રીપીટ થયા હતા. આ તકે ઉપસ્થિત ડાયરેકટરો- સહકારી આગેવાનોએ તેઓને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.

જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી મનસુખ રામાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા, પુર્વ ચેરમેન ગોવિંદ રાણપરા વગેરે પણ હાજર રહ્યા હતા. ડાયરેકટરો અરવિંદ તાળા વગેરેએ પુષ્પગુચ્છ-હાર પહેરાવીને સન્માન કર્યુ હતું. સરકારી ક્ષેત્રમાં પણ ચૂંટણી પક્ષીય ધોરણે કરવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ જ જાહેર કરી દીધુ હતું અને તે મુજબ ચૂંટણીમાં ઉમેદવારોથી માંડીને હોદેદારોના નામો પણ પાર્ટી દ્વારા જ નકકી કરવામાં આવે છે. ચેરમેનપદે જયેશ રાદડીયાના નામનો મેન્ડેટ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો હતો. ચેરમેનપદે ફરી રીપીટ થયા બાદ વાતચીતમાં જયેશ રાદડીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે જીલ્લા બેંકની કામગીરી નમુનેદાર છે. ખેડુતો-સભાસદોના હિતમાં નવી-નવી યોજનાઓ લાગુ કરવામાં આવે જ છે. દેશભરની સહકારી બેંકો રાજકોટ જીલ્લા બેંકના મોડલના અભ્યાસ માટે આવે છે તે જ સૌથી મોટી સિદ્ધિ છે. જીલ્લા બેંકને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાની કટીબદ્ધતા છે.