ચોમાસુ પાક અંગે જૂનાગઢ કુષિ યુનિવર્સિટીના સૂચનો
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વર્તમાન સમયમાં વરસાદ આવવાની શક્યતા હોવાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતરને લગતા મુદ્દાઓ અંગે મદદરૂપ થઈ શકે તેવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અન્વયે ઉભા પાકમાં કોઈ પણ પ્રકારની દવાઓ કે ખાતરોનો છંટકાવ ન કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મગફળીનો પાક પીળો પડવાની સમસ્યાના નિવારણ અર્થે પીળી પડી ગયેલી મગફળીના પાક પર એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ૩૦ કિ.ગ્રા. / હે. માં આપવું. તેમજ વરાપે હીરાકસી ૧૫૦ ગ્રામ અને લીંબુના ફૂલ ૧૫ ગ્રામ એક પંપમાં નાખીને તે મિશ્રણનો છંટકાવ કરવો.
આ સિવાય પણ મગફળીના પાકમાં સરકોસ્પરા ફૂગનો પાનના ટપકાનો રોગ થતો અટકાવવા ખેડૂતોએ ટેબ્યુકોનાઝોલ ૧૮.૩ ૧૦ મીલી, ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી તેનો છંટકાવ કરવો. જ્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડર્મા ફૂગ ૨.૫ કિ.ગ્રા / હેક્ટર અનુસાર ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કિ.ગ્રા / હેક્ટર મિશ્રિત કરીને જમીનમાં તેનો છંટકાવ કરવા અંગે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે.