ભૂતાનના રાજા અને વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે

0
68

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નિહાળી બંને મહાનુભાવો થયા અચંબિત
વડોદરા એરપોર્ટ પર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું ભાવભર્યું સ્વાગત
આ બંને મહાનુભાવોએ ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા કાર્યક્રમો નિહાળ્યા
વડોદરા , તા. 22
પડોશી દેશ ભુતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

 

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટમાં આગમન થયું, ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં.આ બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ આ બંને મહાનુભાવો એકતાનગર જવાના રવાના થયા હતા.ભુતાનના બંને વડા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. રાજા અને પ્રધાનમંત્રી વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા અને ત્યાંથી વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો.

બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ભુતાનના રાજા અને પ્રધાનમંત્રી વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા અને ત્યાંથી વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો.

બન્ને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પૂર્વભૂમિકા સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી. જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે, ભારતને શુભકામના અને સ્મરણ.

બાદમાં ભુતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી. તે બાદ ભુતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શેરિંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી.

આ અવસરે પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર પિન્કીબેન સોની, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નિરજકુમાર ઝા, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થીનલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા.આ પ્રસંગે ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.