મધ્યપ્રદેશના બરતરફ કરાયેલ IAS અધિકારી અરવિંદ જોશીનું ગંભીર બીમારી બાદ નિધન થયું છે. 2010માં IAS જોશી દંપતીના ઘરે આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 3.6 કરોડ રૂપિયા રોકડા અને અનેક મિલકતોનો ખુલાસો થયો હતો. 1979 બેચના IAS અધિકારી અરવિંદ જોશી અને તેમની 1979 બેચના IAS ઓફિસર પત્ની ટીનુ જોશીને ભ્રષ્ટાચારના આરોપસર 2014માં બરતરફ કરવામાં આવ્યા હતા.
જોશી દંપતીના સરકારી આવાસ પર આવકવેરા વિભાગના દરોડા 4 ફેબ્રુઆરી 2010ના પાડવામાં આવ્યા હતા. તેમાં 3.6 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. બીજા દિવસે રાજ્ય સરકાર દ્વારા જોશી દંપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોશી દેશના પ્રથમ IAS ઓફિરસ છે, જેમને રાજ્ય સરકારની ભલામણના આધારે બરતરફ કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગથી લઈને ઈડી સુધીની તપાસમાં તેમને આરોપી ઠેરવવામાં આવ્યા હતા.
7.11 કરોડનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું
જોશી દંપતિને લઈને પ્રવર્તન નિદેશાલયે 2018માં 7.11 કરોડ રૂપિયાના કાળા નાણાને સફેદ કરવાનો ખુલાસો કર્યો હતો. દંપતિએ પોતાના સંબંધીઓ અને નજીકના લોકોના નામ પર વીમા યોજનાઓ અને અચલ સંપત્તિ ખરીદી હતી, જેમાંથી વધુ પડતી રોકડ હતી. ઈડીના પ્રકાશન અનુસાર, જોશી દંપતી વિરુદ્ધ PMLA હેઠળ 1,552 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બરતરફ કરાયેલ IAS દંપતી તેમજ તેમના ત્રણ નજીકના સંબંધીઓ, એસપી કોહલી, તેમના પુત્ર સીમંત કોહલી અને ખાનગી વીમા કંપનીના મેનેજર સીમા જયસ્વાલ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. EDની તપાસમાં સામે આવ્યું છે કે જોશીએ તેના પરિવારના સભ્યોના નામે વીમા યોજનાઓમાં ત્રણ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
કોડ વર્ડમાં લખતા હતા હિસાબ-કિતાબ
IAS રહેવા દરમ્યાન જોશી દંપત્તિએ લાંચથી કાળા નાણાંની કમાણી કરી હતી તેને સફેદ બનાવવામાં પોતાના વિશ્વસ્ત સહયોગી એસપી કોહલીએ મદદ કરી. જોશી અને કોહલી એક-બીજા પાસેથી રોકડની લેવડ-દેવડનો હિસાબ કોડવર્ડમાં લખવામાં આવતો હતો. લોકાયુક્ત પોલીસની ચાર્જશીટ કહે છે કે, જોશી IAS દંપતિને 41.87 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી જે તેમની આવક કરતા 3151.32 % વધુ છે.