બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસાનું નિયત સમય કરતા ૧૦ દિવસ મોડા આગમન થયું છે. કેરળમાં ચોમાસું બેઠા બાદ ગુજરાતમાં મેઘરાજાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ગુજરાતમાં ગઈકાલથી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે જ રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો રાજકોટમાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત નિપજ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં રવિવારનો દિવસ વરસાદી રહ્યો હતો. ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૨૪ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા, તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
ઘોઘા ઉપરાંત અમરેલીમાં ૨૪ કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં ૧.૫ ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં ૧-૧ ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. આ દરમિયાન વીજળી પડવાથી એકનું મોત થયું છે. રાજકોટ જિલ્લાના મોટા મહિકા ગામમાં વીજળી પડવાના કારણે સંજય પરમાર નામના ૩૨ વર્ષિય ખેત મજૂરનું ગતરોજ મોત નિપજ્યું હતું.