અમરેલી જિલ્લામાં માલધારી પરિવારમાં શોકનું મોજુ: એક સપ્તાહમાં મોતનો ત્રીજો બનાવ

0
1632

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી દ્વારા બાળક પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હોવાનો એક અઠવાડિયામાં ત્રીજો બનાવ સામે આવ્યો છે.રાજુલાના કાતર ગામે મોડી રાત્રીના સમયે એક રહેણાંક મકાનમાં બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને માલધારી પરિવારના ૨ વર્ષના બાળકનું ગળુ પકડી ઉઠાવી નાસી ગયો હતો.જોકે તેને ગંભીર ઇજા હોવાને કારણે મોત નીપજ્યું હતું.
અમરેલી જિલ્લામાં સિંહ દીપડા સહિતના પ્રાણીઓ દ્વારા માનવ બાળકો પર હુમલો કરવામાં બનાવો વધી રહ્યા છે.આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. ગત રાત્રીના સમયે રાજુલા તાલુકાના કાતર ગામમાં રહેણાંક મકાનમાં વીજળી ન હોવાને કારણે તેનો લાભ લઈને કોઈનું ધ્યાન ન પડે તે રીતે દીપડો ઘરમાં ઘુસી જતા ૨ વર્ષના બાળક માનવ ગોપાલભાઈ પરમારનું ગળું પકડી ઉઠાવી બાવળની કાટમાં લઇ ગયો હતો.
આ ઘટના નજરે પડતા તેના પરિવારના લોકો હિંમત રાખી બહાદુરી બતાવી પાછળ દોડી હાકલા પડકારા કરતા દીપડો ભાગી ગયો અને બાળકનો બચાવ થતા તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મોડી રાતે સ્થિતિ વધુ ગંભીર થતા તાત્કાલિક વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં આ બાળકનું મોત થતા માલધારી પરિવારમાં શોક મય માહોલ છવાયો હતો.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક વનવિભાગના અધિકારો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને દીપડાને પકડી પાડવા માટે પાંજરાઓ ગોઠવી અને કવાયત શરુ કરવામાં આવી હતી.આ બનાવને પગલે નાનકડા ગામમાં પણ ભયનો માહોલ છવાયો હતો.ત્યારે દીપડાને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.આજથી થોડા દિવસો પહેલા એક જ દિવસમાં સિંહણ અને દીપડાના હુમલાને કારણે જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર બે બાળકો મોતને ભેટ્યા હતા.ત્યારે એક જ અઠવાડિયામાં ત્રીજો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાજુલાના કાતર ગામે બે વર્ષના બાળક પર દિપડાએ હુમલો કરતા બાળકનું મોત થયું હતું. બનાવના પગલે વન વિભાગે પાંજરા મુકતા બે દિપડાએ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. બનાવના પગલે વન વિભાગે દીપડાને પાંજરે પુરવા ત્વરીત પગલા લીધા હતા.
બીલખામાં ગત સાંજે વાડી વિસ્તારમાં એક દીપડીએ એક યુવાન ઉપર હુમલો કરતા બીજો યુવાન તેને બચાવવા જતા તેની ઉપર પણ દીપડીએ હુમલો કર્યો હતો.બંધાળાની સીમમાં નિર્મળભાઈ વાળાના ખેતરમાં બાજરીનુ વાવેતર કરવામાં આવેલ જયાં ખેતરમાં દીપડી બે દિવસથી ઘુસી ગયેલ હોય પ્રથમ દીપડીએ નારણભાઈ નામના યુવક ઉપર હુમલો કરતા સાથે રહેલા પ્રકાશભાઈ છોડાવવા વચ્ચે પડતા બંને ઉપર હુમલો થતા હાકોટા પડકારા વચ્ચે કૂતરાઓ પણ દોડી આવી દીપડીની પાછળ પડતા દીપડી વાડીની ઓરડીમાં ઘુસી ગઈ હતી. જેનો દરવાજો બંધ કરી દેવાતા વન વિભાગે વેટેનરી ડોકટરની મદદથી રેસ્કયુ કરી પકડી લીધી હતી.
પાંજરે પુરાયેલી દીપડીને સકકરબાગમા લઈ જવામાં આવેલ. બંને યુવાનોને હાથ-પગમાં ઈજા કરતા હોસ્પિટલમાં ખસેડેલ હતા. યુવકોની હિંમતને કારણે બંને બચી જવા પામ્યા હતા. એકલ દોકલ હોત તો પરિણામ જુદુ જ આવ્યુ હોત.