પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 55 પ્લાન્ટ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ

0
33780

પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 55 પ્લાન્ટ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ

પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 600 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. યોજના હેઠળ 66 કેવી સબ સ્ટેશનમાંથી નીકળતા સિલેક્ટેડ ખેતીવાડી ફીડરનું જૂથ બનાવીને 1થી 4 મેગાવોટની મર્યાદામાં સોલાર પાવર પ્લાન્ટ જે-તે વિસ્તારના આશરે 5 કિ.મી.ની મર્યાદામાં બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના અનુસંધાને પ્રથમ તબક્કામાં આવા કુલ 55 પ્લાન્ટ બનાવવા માટેની પ્રક્રિયા પીજીવીસીએલે શરૂ કરી છે.

પીજીવીસીએલ દ્વારા હાલમાં પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં 55 સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. જેમાં 167 ખેતીવાડી ફીડરના આશરે 56,950 ખેતીવાડી વીજજોડાણનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ 55 સોલાર પ્લાન્ટ થકી આશરે 140 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. આ ઉપરાંત તબક્કાવાર 1,82,500 ખેતીવાડી વીજગ્રાહકના વીજજોડાણોને સોલરાઈઝ કરવાનું આયોજન છે જેના થકી આશરે 600 મેગાવોટ સૌરઊર્જાનું ઉત્પાદન કરી શકાશે

અગાઉ પીએમ-કુસુમ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ત્રણ ફીડરનો સમાવેશ કરીને 1.206 મેગાવોટ સોલાર પ્લાન્ટનું આયોજન કરાયું જે અંતર્ગત 684 ખેતીવાડી વીજગ્રાહકનો સમાવેશ થાય છે.