જૂનાગઢમાં રહેણાંક મકાનમાં પશુ બાંધવાના ઢાળીયામાં ઇગ્લીશ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

0
521

જૂનાગઢમાં રહેણાંક મકાનમાં દારૂની હેરાફેરીને લઈ પોલીસે રેડ કરી હતી. ત્યારે રહેણાક મકાનની સામે પશુ બાંધવાના ઢાળીયામાં ઇગ્લીશ દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૨૧૦૦ કિ. રૂ.૨,૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં દારૂની ઘૂસણખોરીને ડામવા અને આવારા તત્વોને પકડવા જૂનાગઢ રેન્જ આઇજી તેમજ એસપીએ સૂચના કરતા જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે પીઆઈ એમ.એમ વાઢેર દ્વારા એ ડિવિઝન પોલીસને સૂચના કરાતા તમામ પોલીસ સ્ટાફ દારૂ જુગારની બંદીને નેસ્તો નાબૂદ કરવા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન પીએસઆઈ, જે.આર. વાઝાને બાતમીદાર મળી કે, ગીરનાર દરવાજા પાસે રહેતો બૂટલેગર લખન મેરૂભાઈ ચાવડા તેના નવા બનતા રહેણાક મકાનની સામે પશુ બાંધવાના ઢાળીયામાં ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને તે ઇગ્લીશ દારૂનો જથ્થો ત્યાં જ ઢાળીયામાં પડેલ છે. આ ચોક્કસ બાતમીના આધારે તે જગ્યાએ પોલીસે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૧૮૦ MLની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૨૧૦૦ કિ. રૂ.૨,૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી લખન મેરૂભાઈ ચાવડા વિરુધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.