મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ : અજીત પવારે PM મોદીના કર્યા હતા વખાણ

0
137

મહારાષ્ટ્રમાં રાજકીય વાતાઘાટો વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. સુલેએ દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે. તેમણે કહ્યું કે, એક દિલ્હીમાં થશે અને બીજો મહારાષ્ટ્રમાં થશે. સુપ્રિયા સુલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP નેતા અજીત પવારના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
સાંસદ સુપ્રિયા સુલેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે, અજીત દાદા ક્યાં છે? તો તેમણે જવાબ આપ્યો, ‘તમે બધા ચેનલવાળા એક યુનિટ અજીત દાદાની પાછળ લગાવી દો. રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, રાજ્યમાં ખોટી રીતે કામ થઈ રહ્યું છે, એક કાર્યક્રમમાં હાજર ન રહેવાથી આવું કંઈ નહીં થાય.’ અજીત દાદા ભાજપમાં જોડાશે કે નહીં? આ સવાલ પર તેમણે કહ્યું, ‘આ વાત દાદાને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી, જનપ્રતિનિધિ તરીકે મારી પાસે ઘણું કામ છે, તેથી મને આ અંગે ખબર નથી.’
વાસ્તવમાં ઉદ્ધવ જૂથના નેતાના દાવા બાદ અટકળોએ જોર પકડ્યું છે કે NCP નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં રેલી કરી હતી, જેમાં અજિત પવાર હાજર રહ્યા નહોતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેલીમાં શા માટે સામેલ નહોતા થયા. સુપ્રિયા સુલેએ કહ્યું કે, પહેલાથી જ નક્કી હતું કે દરેક MVA રેલીમાં માત્ર બે લોકો જ બોલશે. તેવી જ રીતે આ બધી અફવાઓ છે કે અજીત પવાર નારાજ છે.
એનસીપીના વડા શરદ પવારે તાજેતરમાં જ અદાણી કેસમાં કોંગ્રેસની જેપીસીની માંગને ફગાવી દીધી હતી. આ પછી તેમના અજીત પવારે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આટલું જ નહીં તેમણે ઈવીએમ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને ઈવીએમ પર​​પૂરો વિશ્વાસ છે. કોઈ એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ તે લોકોનો જનાદેશ છે. તેમણે કહ્યું હતું કે, જે પાર્ટીના માત્ર બે સાંસદો હતા, તેમણે વર્ષ 2014માં પીએમ મોદીના નેતૃત્વમાં જનાદેશ સાથે સરકાર બનાવી અને દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી, તો શું આ મોદીનો કરિશ્મા નથી? વાસ્તવમાં જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમાં મહારાષ્ટ્રમાં પણ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.