પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પારિવારિક શાંતિ અભિયાન:કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કલેકટર,મેયરની પ્રેરક ઉપસ્થિતિ
‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.’ – આ જીવનમંત્ર હતો, પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો. નિસ્વાર્થભાવે લોકસેવામાં આખું આયખું સમર્પિત કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને સાચો રાહ ચીંધીને સુખી અને સ્વસ્થ સમાજ-પરિવાર-જીવનની એક અનોખી કેડી રચી છે. સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાના ૯૫ વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા.
તેઓના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રુબરુ જઈને, લાખો પરિવારોને રુબરુ મળી મળીને તેમણે પારિવારિક શાંતિનાં જે અમૃત પાયાં હતાં, તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્ય લોકો માણી રહ્યા છે, અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્મરણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમૃતને, તેઓના શતાબ્દી પર્વે બીજાં અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે, તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું.
૧ માર્ચ ૨૦૨૦ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આણંદ ખાતે દીપ પ્રગટાવીને પારિવારિક શાંતિ અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો. પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્દી સેવકો ગામડે – ગામડે અને શહેરી વિસ્તારોમાં ઘૂમવા મંડ્યા. પ્રત્યેક ઘરના સંપર્ક દરમ્યાન શતાબ્દી સેવકોએ પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (૧) ઘરસભા (૨) સમૂહ ભોજન (૩) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિઃસ્વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંયને વ્યસનો પણ છોડાવ્યાં. પ્રત્યેક મુલાકાતને અંતે સદભાવીના પરિવારમાં સર્વપ્રકારે સુખ-શાંતિ રહે તે માટે શતાબ્દી સેવકો હૃદયપૂર્વક પ્રાર્થના કરીને વિદાય લેતા હતા.
તા. ૩૧/૧/૨૦૨૨ થી પુનઃ શરુ થયેલ આ અભિયાન તા. ૧૫/૪/૨૦૨૨ સુધી સતત અઢી મહિનાના પ્રચંડ અભિયાનના અંતે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ તે એક ફળશ્રુતિરૂપે આમ રજૂ કરી શકાયઃ
આ પારિવારિક શાંતિ અભિયાન અભિયાનમાં કુલ ૭૨,૮૦૬ પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં.
ભારતનાં કુલ ૧૭ રાજ્યોનાં કુલ ૧૦,૦૧૨ જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો.
કુલ ૨૪,૦૦,૦૫૨ જેટલાં પરિવારોમાં જઈને ૬૦,૫૭,૬૩૫ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી.
આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ ૧00થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ શતાબ્દી સેવકોએ કુલ ૭૨,00,000 થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું.
તેના ફળસ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને
૪,૨૪,૬૯૬ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો.
૧૦,૨૮,૫૬૦ પરિવારોએ ઘરમાં સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો.
૧૯,૩૮,૩૭૫ પરિવારોએ દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કર્યો.
પોતાની શારીરિક અવસ્થા કે પીડાઓને અવગણીને, ધંધા-વ્યવહારની ચિંતાને ફગાવીને, ભૂખ-તરસની વ્યથાને વિસારીને કેવળ સમાજમાં સુખ-શાંતિ પ્રસરાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આયોજિત પારિવારિક શાંતિ અભિયાનમાં નિઃસ્વાર્થભાવે ઉમંગભેર સેવા બજાવનાર તમામ શતાબ્દી સેવકોને શત શત અભિનંદન પાઠવીને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે સૌને પોતાના અંતરના આશીર્વાદથી અભિષિક્ત કર્યા છે.
આ અભિયાન સમાપન અંતર્ગત વિવિધ સેન્ટરોમાં યોજાયેલ પારિવારિક શાંતિ અભિયાનના શતાબ્દી સેવકોના અભિવાદનના કાર્યક્રમ અનુસાર રાજકોટના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનમાં અમૂલ્ય સેવા આપનાર શતાબ્દી સેવકોના અભિવાદનનો ભવ્ય કાર્યક્રમ સદ્દગુરુવર્ય સંત પ.પૂ.કોઠારી ભક્તિપ્રિય સ્વામીના સાનિધ્યમાં યોજાવામાં આવ્યો હતો. જેમાં ધૂન પ્રાર્થના બાદ શતાબ્દી સેવકોએ અને સદ્દભાવીઓએ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પારિવારિક શાંતિ અભિયાનના સમાપન પ્રસંગે રાજકોટના ૧૫૦૦ શતાબ્દી સેવકોએ ૩૫૦૦૦ ઘરોનો સંપર્ક કર્યો તેઓને તથા સમગ્ર દેશમાં શતાબ્દી સેવકોએ જે સેવા આપી તેને બિરદાવી હતી. સાથે વેકેશન દરમ્યાન બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત SAVE WATER, SAVE ELECTRICITY, PLANT TREES અભિયાનની માહિતી આપી આ અભિયાનનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.