આજથી ભગવાનના જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારી શરૂ

0
158

ભગવાનના જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારીઓની આજથી શરૂઆત થઇ ગઈ છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા કરવા નીકળે છે, તે આ વર્ષે ત્રણેય રથ નવા બનાવવામાં આવ્યા છે. ત્યારે ભગવાનના આ ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવી છે.
દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથની પૂજા થતી હોય છે. ત્યારે આ વર્ષે નવા બનેલા રથનું પૂજન કરવામાં આવ્યુ છે. આ પૂજામાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ રથની પૂજા કરી હતી. આ વર્ષે નવા તૈયાર થયેલા ભગવાનના રથની આ પ્રથમ વખત પૂજા કરાઈ છે.
આ વર્ષે ભગવાન રથયાત્રા પર નવા રથમાં નગરચર્યા કરશે. નવા રથમાં સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં જંતુઓ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, આ ઉપરાંત આ લાકડા ખૂબ જ ટકાઉ માનવામાં આવે છે. ૮૦ વર્ષ સુધી ન બગડે તેવા રથ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયા છે.