રાજકોટમાં ‘રસરંગ’ લોકમેળાની તડામાર તૈયારી

0
833

રાજકોટના રેસકોર્સ ખાતે આગામી તા. 5થી 9 જુલાઈ દરમિયાન રસરંગ નામે જન્માષ્ટમીનો લોકમેળો યોજાનાર છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્ટોલ તેમજ પ્લોટ બાદ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળામાં જાહેરાતનું પ્રસારણ, સિકયુરિટી ગાર્ડ ઉપરાંત લોકમેળાના મુખ્ય સ્ટેજ અંગેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે આ ટેન્ડર ભરવા ઇચ્છતા વેપારીઓએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અથવા ઓફલાઇન ટેન્ડર ભરવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

જેમાં જાહેરાતના ટેન્ડર આઈ.ડી. નં.603073 દ્રારા લોકમેળાનાં 4 પ્રવેશદ્વાર, મેળાની અંદર 30 જેટલા લાઈટ અને સાઉન્ડના ટાવર તથા 12 વોચ ટાવર તેમજ એલ.ઈ.ડી.સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા માટે ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું છે. ટેન્ડર ડોક્યુમેન્ટ www.npocure.com પરથી તા. 24 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત ટેન્ડર આઈ.ડી. નં.603074 દ્રારા લોકમેળામાં રાઉન્ડ ધી ક્લોક સિક્યોરિટી ગાર્ડસ રાખવા અંગે પણ ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ છે. ટેન્ડર ડોક્યુમેન્ટ www.npocure.com પરથી તા.24 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે.

​​​​​​​ઉપરોકત બન્ને ઓનલાઈન ટેન્ડરોની ટેકનીકલ બીડ ખોલવાની તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 27 જુલાઈનાં રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે અને સાંજે 5 ક્લાકે ટેકનિકલી કવોલિફાઈડ બીડર્સની “Price Bid” ખોલવામાં આવશે. તેમજ લોકમેળામાં મુખ્ય સ્ટેજ (કાર્યક્રમ સાથે જાહેરાત) માટેનું કામ સંભાળવા માંગતા વ્યક્તિઓ/પેઢીઓ/ કંપનીઓ/જાહેરાત એજન્સિએ નાયબ ક્લેક્ટર, રાજકોટ (શહેર-1) પ્રાંત, જૂની ક્લેક્ટર ક્ચેરી ખાતેથી રૂ.1000 ભરીને પણ ટેન્ડર મેળવી શકાશે. જે 26 જુલાઈ સુધીમાં પરત કરવાના રહેશે. આ ટેન્ડર 28 જુલાઈનાં રોજ ખોલવામાં આવશે.