પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એપ્રિલ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવવાના હતા, પરંતુ તે પહેલા જ તેમનો ગુજરાત પ્રવાસ રદ થયાના સમાચાર આવ્યા છે. 17 એપ્રિલનો PM મોદીનો ગુજરાત પ્રવાસ કેન્સલ થયો છે. તેઓ ગુજરાતમાં આવીને સૌરાષ્ટ્ર-તામિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા. પરંતુ ફોરેન ડેલિગેશન સાથે બેઠક હોવાથી કાર્યક્રમ રદ થયો છે. તેમજ કર્ણાટક ચૂંટણીના કામકાજને લઈને પણ પ્રવાસ કેન્સલ કરાયો છે.
17 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં રોકાણ કર્યા બાદ રોડ શો કરવાના હતા. આ સાથે જ તેઓ ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં ફેરબદલ થયો છે. તમિલસંગમના પ્રારંભનો કાર્યક્રમ તો યથાવત જ રહેવાનો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત રદ થઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થવાના મુખ્ય બે કારણ છે. જેમાં એક કારણે એ છે કે 17 એપ્રિલ આસપાસનો સમય કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસો હશે. એટલે સ્વાભાવિક રીતે જ ઉમેદવારોના લિસ્ટીંગમાં ભલે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવાતો હોય, પરંતુ વડાપ્રધાન મોદી પણ તેના પર નજર રાખતા હોય છે. આ સાથે અન્ય એક કારણ એ પણ છે કે ફોરેન ડેલીગેશન સાથે વડાપ્રધાનની બેઠક યોજાવા જઇ રહી છે. જેના કારણે પણ વડાપ્રધાનનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. જો કે મંથ એન્ડ સુધીમાં જ્યારે કાર્યક્રમ સમાપનના આરે હશે ત્યારે વડાપ્રધાન આવશે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે. જો કે હાલ પુરતી તેમની ગુજરાત મુલાકાત રદ થઇ છે.