પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું.

0
615

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું.

આઝાદીના અમૃત વર્ષે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પની સિદ્ધિ માટે ગુજરાતમાં જન અભિયાન ઉપાડ્યું છે.પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલશ્રી હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્રારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.

રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરીને સમગ્ર દેશના ખેડૂતોને નવી પ્રેણા પુરી પાડી છે. તેમ પણ રાજ્યપાલશ્રી આ તકે જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ કરવા ગુજરાત રાજ્યે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પુર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ ગુરૂકુળ કુરૂક્ષેત્રની ૨૦૦ એકર જમીનમાં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને પ્રસ્તુત કરી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિની સાફલ્યગાથા વર્ણવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે, ખેતી અને પશુપાલન સૌથી જૂનો વ્યવસાય છે. આ વ્યવસાય માનવજાતના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનો હોવાથી તેનો વિકાસ થવા સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવા પ્રયોગો થવા ખૂબ જ જરૂરી હોય ત્યારે આધુનિક ખેતી પદ્ધતિ સાથે સાથે પ્રાકૃતિક ખેતીને જોડવી ખૂબ જ જરૂરી છે. જમીનમાં રાસાયણિક ખાતર તથા દવાઓના છંટકાવથી માનવજાતની સાથે સાથે પક્ષીઓને પણ તેની આડઅસર થઈ રહી છે. પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવી અપીલ પણ ધારાસભ્યશ્રીએ કરી હતી. તેઓએ રાજ્યપાલશ્રીના પુસ્તકનો પણ અભ્યાસ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ તકે કૃષિ નિષ્ણાંત ડૉ. થાનકીએ પ્રાકૃતિક ખેતીના ઘટકો, તેના ફાયદાઓ, તથા જમીનની તંદુરસ્તીને રાસાયણિક ખાતરો દ્વારા થતી આડઅસર, જીવામૃત અને તેના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પોરબંદરના આત્મા કેન્દ્ર ખાતેથી તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ તકે રાજયપાલશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત મેગેઝીન ‘ જગતના તાતને પ્રકૃતિનો સાદ’ સપ્ટેમ્બરના અંકનું વિમોચન કર્યું હતું. રાજ્યપાલ શ્રી એ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતોએ વિવિધ અનાજો, શાકભાજી, કઠોળની પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો રજૂ કર્યા હતા.