શનિવારથી ચાર દિવસ વરસાદની આગાહી:ગાજવીજ પવન સાથે વરસાદની સંભાવના

0
502

શનિવારથી ચાર દિવસ વરસાદની આગાહી:ગાજવીજ પવન સાથે વરસાદની સંભાવના

છેલ્લા એક માસ દરમિયાન રાજકોટમાં સવારથી લઇને રાત સુધીમાં 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે જ રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 24 ઈંચ નોંધાયો છે. જે સરેરાશ કરતા 44 ટકા વધારે છે. ગયા વર્ષે 20 જુલાઇ સુધીમાં રાજકોટમાં 12.68 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ શનિવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જે ચાર દિવસ સુધી આવે તેવું અનુમાન છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ આવે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

પવનની ઝડપ 30થી 40 કિલોમીટર રહી શકે છે. શનિવારથી મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમાં આવી રહ્યું છે અને ઓફશોર ટ્રફ પણ કોંકણથી ગોવા સુધી જોવા મળે છે. જેને કારણે ગુરુ- શુક્રવારે ઉત્તર ભારતમાં વધુ વરસાદ જોવા મળશે. જેથી શનિવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નાયબ નિયામકના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડ્યો છે. જેનાથી જમીન સંતૃપ્ત થઇ ગઈ છે. જેને કારણે હવે કદાચ પાછળથી વરસાદ ખેંચાશે તો પણ પાક- પાણીનું ચિત્ર ઊજળું જ રહેશે.
આ વખતે લો પ્રેશરને કારણે વરસાદ માટે સાનુકૂળ સંજોગો રહ્યા. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં જરૂરિયાત હોય તેના કરતા વધુ વરસાદ પડી ગયો છે. 1 જૂનથી લઈને 20 જુલાઇ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના 5 જિલ્લામાં 60 ટકાથી વધુ, 4 જિલ્લામાં 59 ટકા અને બાકીના ત્રણ જિલ્લામાં નોર્મલ વરસાદ નોંધાયો છે. સરેરાશ કરતા સૌથી વધુ વરસાદ કચ્છમાં 203 ટકા નોંધાયો છે. એ પછી દ્વારકામાં 140 ટકા, મોરબીમાં 36, જામનગરમાં 51, અમરેલી 30, ગીર સોમનાથ 77, જૂનાગઢ 64, પોરબંદરમાં 99 ટકા વધુ વરસાદ નોંધાયો છે.