ઉત્તર ગુજરાતમાં વરસાદનો કેર : છેલ્લા બે કલાકમાં સાબરકાંઠાને પણ ઘમરોળ્યુ

0
364

વાવાઝાડના લેન્ડફૉલ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે અસર જોવા મળી રહી છે, ઉત્તર ગુજરાતમાં ભારે પવનો અને ધોધમાર વરસાદે કાળો કેર વર્તાવ્યો છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ હવે સાબરકાંઠામાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ગઇ રાત્રથી પડી રહેલા અનરાધાર વરસાદે કેર વર્તાવ્યો છે. હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, ઇડર અને પોશીનામાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં ગઇ રાત્રથી આજે વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ ઘટી છે. જિલ્લમાં હિંમતનગર શહેરના મોતીપુરા નજીકથી પસાર થઇ રહેલો અમદાવાદ- ઉદેપુર નેશનલ હાઇવે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે, રૉડ પર પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ વાત છે કે છેલ્લા ચાર વર્ષથી અહીં સિક્સલેન રૉડનું કામ ચાલી રહ્યું છે આ કારણે રસ્તાંઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ સમારકામનો અભાવ દેખાઇ રહ્યો છે.