વરસાદી વાવાઝોડાના કારણે રાજકોટ સહિત અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા:અનેક ગામોમાં અંધારપટ 

0
478

વરસાદી વાવાઝોડાના કારણે રાજકોટ સહિત અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા:અનેક ગામોમાં અંધારપટ 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મિની વાવાઝોડા જેવા વાતાવરણમાં વરસાદ ખાબકતા વિજ તંત્રને વ્યાપક નુકશાન થયું છે. સૌરાષ્ટ્રભરમાં 572 વીજ થાંભલાઓનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઉપરાંત 36 ગામોમાં અંધારપટ સર્જાયો હતો અને 180 જેટલા વીજ ફીડર બંધ પડયા હતા.પશ્ચિમ વીજ ગુજરાત કંપની (પીજીવીસીએલ)ના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, મોરબી, અમરેલી, ખંભાળિયા સહિતના અનેક જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે સાંજે ઝંઝાવાતી પવન સાથે તોફાની વાતાવરણ સર્જાયુ હતું. થોડો વખત 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવાથી શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ઉપકરણોને વ્યાપક અસર થઇ હતી.

વીજ થાંભલા પડી જતા, ટ્રાન્સફોર્મરોને નુકશાન થવા, ફીડર ફોલ્ટ થવા સહિતના ઘટનાક્રમો સર્જાયા હતા. સૌરાષ્ટ્રમાં કુલ 572 વીજ થાંભલા પડી ગયા અથવા નુકશાની થયાના પ્રાથમિક રિપોર્ટ મળ્યા છે. રાજકોટ શહેરમાં 36 થાંભલાઓને નુકશાન થયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 84, પોરબંદર પંથકમાં 111, જૂનાગઢ પંથકમાં 54, જામનગરમાં 187, ભુજમાં 10, અંજારમાં 10, ભાવનગરમાં 7, અમરેલીમાં 61 તથા સુરેન્દ્રનગરમાં 12 થાંભલાઓ ધરાશાયી થયા હતા અથવા નુકશાન પામ્યા હતા.

આ સિવાય 36 ગામોમાં અંધારપટની હાલત સર્જાઇ હતી. રાજકોટ ગ્રામ્યના 3, મોરબીના 5, જામનગરના 7, સુરેન્દ્રનગરના 20 તથા બોટાદના 1 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે પુન: નોર્મલ કરવા માટે તંત્ર દ્વારા તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યોતિગ્રામ, એગ્રીકલ્ચર તથા અર્બન ફીડરોને પણ નુકશાન થયું હતું.સૌથી વધુ 172 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા હતા.