રાજકોટમાં વરસાદી સાંજ:ભીમ અગિયારસના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન

0
16633

રાજકોટમાં વરસાદી સાંજ:ભીમ અગિયારસના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે બે દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને દક્ષિણ ગુજરાતના વરસાદનું આગમન થયું હતું. આજે ભીમ અગિયારસના શુકનવંતા દિવસે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા વરસ્યા છે. બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેમજ આજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના, વિસાવદર દરેક જગ્યાએ વરસાદનું આગમન થયું છે. ગોંડલમાં પણ વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યું છે.
 રાજકોટની વાત કરીએ તો રાજકોટની સાંજ આજે વરસાદી સાંજ બની હતી. છેક સાંજે વાદળો છવાયા બાદ વરસાદી વાતાવરણ બન્યું હતું પવનની ઝડપી ગતિ તેમજ વીજળીના ગડગડાટ સાથે વરસાદ નું ઝાપટુ પડ્યું છે. આજે ભીમ અગિયારસ નું મુહર્ત જાણે મેઘરાજા સાચવી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના જુદા જુદા ગામો અને શહેરોમાં વરસાદનું આગમન થયું હતું.  લોકો ગરમીથી અકળાઈ ગયા હતા ત્યારે આ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે અને વરસાદી માહોલમાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
આવતી કાલે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે.રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે.. સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.