રાજકોટ: ૨૨ ટકા વળતરની લાલચ આપી અમદાવાદનું દંપતી શેરબજારમાં રોકાણના નામે ફુલેકું ફેરવી ફરાર

0
323

રાજકોટમાં એન્જલ માર્કેટના નામે શેરબજારની ઓફિસ શરૂ કરી ૫૩ લોકોને શેરમાર્કેટમાં રોકાણ કરવાની અને ૨૨ ટકા વળતરની લાલચ આપી અમદાવાદનું દંપતી રૂ.૧,૭૭,૫૦,૦૦૦ રકમ એકઠી કરી ઓફિસને તાળાં મારી નાસી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
રેલનગરના અવધપાર્કમાં રહેતા અને જામનગર રોડ પરની સિટી સર્વે કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતાં રાહુલ સંજયભાઇ વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના બાપુનગરમાં શિવદર્શન હાઉસિંગ સોસાયટીમાં રહેતા રાહુલ રણજીત સોની અને તેની પત્ની અદિતી સોનીના નામ આપ્યા હતા. રાહુલ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના બનેવી બળવંતભાઇ પરમાર શેરમાર્કેટનું કામ કરતા હોય તેમણે વાત કરી હતી કે, શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર વેસ્ટ ગેટ કોમ્પલેક્સમાં એન્જલ નામે શેરબજારનો ધંધો કરતા રાહુલ સોની પરિચયમાં છે અને તે રોકાણ સામે સારું વળતર આપે છે,
જેથી રાહુલ વાઘેલા ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના એન્જલની ઓફિસે ગયો હતો અને ત્યાં રાહુલ સોની અને તેની પત્ની અદિતી સોનીએ અમે ગોલ્ડ એમસીએક્સમાં રોકાણ કરીએ છીએ અને તમને ૨ ટકા વળતર આપશું તેમ કહી વિશ્વાસમાં લેતા રાહુલ વાઘેલાએ રૂ.૧ લાખ રાહુલ સોનીના ખાતામાં ગૂગલ પે થી ટ્રાન્સફર કર્યા હતા, એક મહિનો થતાં રાહુલ સોનીએ ૨૨ ટકા વળતર આપતા રાહુલ વાઘેલાએ કટકે કટકે ચેકથી વધુ રૂ.૪ લાખનું રોકાણ કર્યું હતું અને કુલ રૂ.૫ લાખ પર તેને ચાર મહિના સુધી ૨૨ ટકા વળતર ચૂકવ્યું હતું, જોકે ત્યારબાદ સોની દંપતીએ વળતર આપવાનું બંધ કરી દીધું હતું.
રાહુલ વાઘેલાએ ઓફિસે જઇને તપાસ કરતાં ઓફિસના દરવાજે તાળાં ઝૂલતા હતા અને તપાસ કરતાં રાહુલ વાઘેલા તેના સંબંધીઓ અને પરિચિતો સહિત ૫૩ લોકોના રૂ.૧,૭૭,૫૦,૦૦૦ ઉઘરાવી દંપતી નાસી ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
સોનીબજારમાંથી સોનું લઇને બંગાળી કારીગરો નાસી જતાં હોવાનો વધુ એક કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે, બંગાળી સોની વેપારી સાથે સવા વર્ષથી કામ કરી દાગીના બનાવી આપનાર બંગાળી કારીગર રૂ.૩૫ લાખનું ૫૬૦ ગ્રામ સોનું લઇને નાસી ગયો હતો, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પશ્ચિમ બંગાળના વતની અને રાજકોટમાં ત્રીસ વર્ષથી રહી કેનાલ રોડ પર શિવગંગા આભૂષણ નામે પેઢી ધરાવતાં અને સોનાના દાગીનાનો વેપાર કરતાં અલીપકુમાર નોબાકુમાર દેઇ (ઉ.વ.૪૬)એ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પશ્ચિમ બંગાળના જ ગૌરાંગ મંડલ સદાનંદ મંડલનું નામ આપ્યું હતું. અલીપકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવા વર્ષ પહેલા બંગાળી કારીગર ગૌરાંગ મંડલ તેની પાસે આવ્યો હતો અને પોતે સોનીઘાટ કામ જાણે છે અને હાલમાં કામની જરૂરીયાત હોવાનું કહ્યું હતું, ગૌરાંગ મંડલ પોતાના જ વતનની બાજુના ગામનો હોય અલીપકુમારે કારીગર ગૌરાંગ મંડલને દાગીના બનાવવા માટે સોનું આપવાનું શરૂ કર્યું હતું.
સવા વર્ષ દરમિયાન ગૌરાંગ મંડલ વેપારી અલીપકુમાર પાસેથી ૪૭૯૧.૫૬ ગ્રામ સોનું લઇ ગયો હતો અને તેમાંથી ૪૨૩૦.૬૦ ગ્રામ સોનાના ઘરેણાં બનાવીને પરત આપી ગયો હતો પરંતુ બાકીના ૫૬૦.૯૫૯ ગ્રામ સોનું કે તેના ઘરેણા બનાવીને પરત આપ્યા નહોતા. ગત તા.૨૩ જાન્યુઆરીના વેપારી અલીપકુમાર હાથીખાનામાં ગૌરાંગ મંડલ રહેતો હતો તે મકાને તપાસ કરવા જતાં ગોરાંગ મંડલ ભાડાનું મકાન ખાલી કરીને નાસી ગયાનું જાણવા મળ્યું હતું. વેપારી અલીપકુમારે તેના વતન પશ્ચિમ બંગાળમાં પરિવાજનો અને આગેવાનોને જાણ કરતાં તે લોકોએ ગૌરાંગ મંડલના ઘરે જઇ વાતચીત કરી હતી પરંતુ તેમાં સફળતા મળી નહોતી અને ગૌરાંગ મંડલે સોનું પરત નહી કરતાં અંતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સોનું કબજે કરવા તેમજ ઓરોપીની શોધખોળ કરવા કવાયત હાથ ધરી હતી.