રાજકોટ:ત્રણ ત્રણ વખત લગ્ન થવા છતાં સાંસારિક સુખ ન મળ્યું ;પતિ શંકા કરી ત્રાસ ગુજારતો , પરિણીતાએ નોંધાવી ફરિયાદ

0
981

શાપરની યુવતીના ત્રણ ત્રણ વખત લગ્ન થવા છતાં સાંસારિક સુખ પ્રાપ્ત થયું નહોતું, રાજકોટ રહેતો પતિ શંકા કરી મારકૂટ કરતો હતો, જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને મોટા સાસુ સહિતના સાસરિયાં તેને ચડામણી કરતા હતા.
શાપરની શાંતિધામ સોસાયટીમાં પિયરમાં રહેતી ભક્તિ ઉર્ફે નિકિતા ગોહેલે (ઉ.વ.૩૦) શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નહેરૂનગર મેઇન રોડ પરના શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ ચિરાગ રમેશ ગોહેલ, મોટા સાસુ અરૂણા રાજુ ગોહેલ, કાકાજી મહેશ ધીરજલાલ ગોહેલ અને કાકીજી સાસુ ટીના મહેશ ગોહેલના નામ આપ્યા હતા. ભક્તિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન ચાર વર્ષ પૂર્વે રાજકોટના ધવલ સાથે થયા બાદ છૂટાછેડા થઇ ગયા હતા, બીજા લગ્ન મહેસાણાના મિતેષ સાથે થયા હતા પરંતુ તેની સાથે મનમેળ નહી રહેતા છુટાછેડા થયા બાદ બે વર્ષ પહેલા રાજકોટના ચિરાગ સાથે લગ્ન થયા હતા, અને આ લગ્નથી સંતાનમાં એક પુત્ર દેવાંશની પ્રાપ્તી થઇ હતી.
લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાંઓ ઘરકામ બાબતે ટોણા મારતા હતા, પતિ ચિરાગ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હતો અને સાસરિયાઓ ચિરાગને ચડામણી કરતા હતા, ગત તા.૧૧ એપ્રિલે સાસરિયાઓ ભક્તિને તેના પિયર મૂકીને જતા રહ્યા હતા, ત્યારબાદ પતિ ચિરાગે ધમકી આપી હતી કે, મારા દીકરા દેવાંશને કંઇ થશે તો તેની જવાબદારી તારી રહેશે, તને ખોટા કેસમાં ફિટ કરી દેશું અને પોલીસમાં ફરિયાદ કરીશ તો જીવતી નહી રહેવા દઉં. પિયરમાંથી આવેલા રોકડા રૂ. ૩૧ હજાર તથા સોનાની વિંટી અને કપડા પણ પતિએ પરત કર્યા નહોતા. પોલીસે ચારેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.