રાજકોટ:સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં સંબંધોનું ખૂન, પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર

0
332

રંગીલુ રાજકોટ રક્તરંજિત બન્યું છે. સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં હત્યાની ઘટના ઘટિત થઈ હોવાનું સામે આવ્યું છે. માત્ર બે દિવસના સમયગાળા દરમિયાન ત્રણ જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડીયાર પરા વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશની પત્ની અંજલી અહીરવાર (ઉવ.૨૦) નામની પરિણીતાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કોઈ અન્યાય નહીં પરંતુ તેના જ પતિ પુષ્પેન્દ્ર અહીરવાર દ્વારા કરવામાં આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે પરિવારજનોએ દરવાજો ખટખટાવતા દરવાજો પરણીતાએ ન ખોલતા કશું અજુગતું થયાનું લાગ્યું હતું. ત્યારે દરવાજો બહારથી ખોલવામાં આવતા લાશ પડેલી હતી.
મળતી વિગતો અનુસાર, રાત્રિના દોઢ વાગ્યે પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હતી. તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની બહેન નીતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી બહેનનો પતિ દારુ તેમજ ગાંજો પીવાની ટેવવાળો છે. અવારનવાર તે ઘરે આવીને મારી બહેન પાસે પૈસાની માગણી કરતો હતો. તેમજ જો મારી બહેન તેને પૈસા ન આપે તો તે તેની સાથે મારકુટ પણ કરતો હતો. તેમજ ગઈકાલે રેસ્કોર્શ મેદાન ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા ચાલતી હતી, તેમાં સૌ કોઈ બાબાના દર્શન કરવા તેમજ હનુમંત કથાનો લાભ લેવા ગયા હતા. તેમજ કથામાંથી પરત ફર્યા બાદ ઘરે આવી સૌ કોઈ પોત પોતાના રૂમમાં સૂઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગત દિવસે , રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનીષા પરમાર નામની પરિણીતાએ પોતાના દીકરા તેમજ દીકરીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો.