રાજકોટ : નાસિકના ગઠિયાએ ઓર્ડર આપી માલ મગાવ્યા બાદ રૂ.૧૦.૫૩ લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી

0
487

શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં હાર્ડવેરની વસ્તુ બનાવવાનું કારખાનું ધરાવતાં કારખાનેદારને નાસિકના ગઠિયાએ ઓર્ડર આપી માલ મગાવ્યા બાદ રૂ.૧૦.૫૩ લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. મવડીના સંસ્કાર એવન્યૂમાં રહેતા અને આજી જીઆઇડીસીમાં અર્થ ઇન્ડસ્ટ્રીઝ નામે હાર્ડવેરનું કારખાનું ધરાવતાં નયનભાઇ સવજીભાઇ નસીતે (ઉ.વ.૪૧) થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામમાં રહેતા અને હાલમાં નાસિક સ્થાયી થયેલા દેવર્ષ રમેશ હીરપરાનું નામ આપ્યું હતું.
નયનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૫ માર્ચના દેવર્ષે ફોન કરી હાર્ડવેરની વસ્તુઓનું કેટલોગ મગાવતા તેને મોકલ્યું હતું અને ત્યારબાદ દેવર્ષે રૂ.૧૦,૯૧,૯૧૩ની કિંમતના માલનો ઓર્ડર આપ્યો હતો. નયનભાઇએ ટ્રાન્સપોર્ટ મારફત ચાર વખત ડિલિવરી કરાવી માલ નાસિક મોકલાવી દીધો હતો.
માલ નાસિક પહોંચ્યા બાદ નયનભાઇએ ઓર્ડર આપનાર દેવર્ષે કુરિયર મારફત મોકલેલો ચેક પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો, જે અંગે નયનભાઇએ ફોન કરતા દેવર્ષે હું રૂપિયા આપવાનો નથી, કેસ કરવો હોય તો કરી નાખજે તેવી ધમકી આપતા નયનભાઇએ હાર્ડવેરના અન્ય ધંધાર્થીઓને પૂછતાં દેવર્ષે તેમની સાથે પણ છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે નયનભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.