રાજકોટ: મહાનગરપાલિકામાં વિપક્ષના કાર્યાલયને તાળાં લાગશે; બેઠકમાં કોંગ્રેસના માત્ર ૨ સભ્યો

0
191

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસે જીતેલી ૪ બેઠકમાંથી બે સભ્ય આપમાં જતાં રહેતા હાલ બે જ કોર્પોરેટર છે. જેમાં એક વિપક્ષી નેતા છે અને હવે તેમની સુવિધાઓ પર પરત ખેંચવા માટે ભાજપે નિર્ણય કર્યો છે. આ કારણે હવે વિપક્ષના કાર્યાલયને તાળાં લાગશે. મેયર ડો.પ્રદીપ ડવે સેક્રેટરી વિભાગને સૂચના આપતા સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વિપક્ષને અપાતી સુવિધાઓ જેવી કે કાર, કાર્યાલય સહિતને તાત્કાલિક અસરથી પરત ખેંચવા માટે જણાવ્યું છે.
આ માટે તેમાં કારણ દર્શાવ્યું છે કે, ૧૮ વોર્ડની ૭૨ બેઠક પૈકી ભાજપને ૬૮ અને કોંગ્રેસને ૪ બેઠક મળી હતી જે પૈકી કોંગ્રેસના હાલ ૨ જ સભ્ય છે. જેથી વિપક્ષને બેઠક વ્યવસ્થા માટે ઓફિસ તેમજ વિપક્ષના નેતાને વાહન આપવું વાજબી જણાતું નથી. આ કારણે હવે વિપક્ષના કાર્યાલયને તાળાં મારી દેવાશે. વિપક્ષી નેતા જે ખખડધજ કાર બદલવા માટે હોદ્દા પર આવ્યા ત્યારથી બદલવા માટે રજૂઆતો કરતા હતા તે કાર પણ હવે મળશે નહિ અને ગેરેજમાં જ રાખવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ ૧૫ પેટા સમિતિના ચેરમેનના હોદ્દા બંધારણીય હોદ્દા છે. વિપક્ષી નેતા ઉપરાંત શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક અને વિપક્ષના દંડક સહિતના હોદ્દા બંધારણમાં ફરજિયાત નથી.
કોંગ્રેસને ૧૦ ટકા બેઠકો પણ મળી નથી. તેથી તેમને સુવિધાઓ આપવી યોગ્ય નથી. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષ માટે મંગળવાર સુધીમાં વિપક્ષી નેતાની વધારાની ૫ લાખની ગ્રાન્ટમાંથી જે કામો સૂચવી દીધા હશે તે તમામ કામો હાથ પર લેવાશે પણ હવે પછી તે ગ્રાન્ટ પણ મળશે નહીં. – ડો.પ્રદીપ ડવ, મેયર (રાજકોટ)