રાજકોટ:તુવેરદાળમાં ફક્ત પાંચ મહિનામાં ૧૦૦ કિલોએ ૨૬૦૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો

0
598

દેશમાં તુવેરદાળના ઉત્પાદનમાં ઘટાડો રહેતા વિદેશથી ૮.૫૦ લાખ ટન તુવેર દાળની આયાત થઈ ચૂકી છે. આની વચ્ચે માલ ઘટ અને ભાવો વધતા રહેતા હોવાથી સરકારે મિલરો, સ્ટોકિસ્ટોને દર શુક્રવારે તુવેરદાળ જથ્થો પુરવઠાની સાઈટ પર અપલોડ કરવા આદેશ કર્યો છે. આજે રાજકોટ કલેક્ટર કચેરીએ તુવેરના વેપારીઓ, સ્ટોકિસ્ટો, દાળ મીલ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.
દેશમાં આયાતી જથ્થો મર્યાદિત છે અને ગત વર્ષોથી સાપેક્ષમાં માલ ઘટ હોવાથી ભારતમાં નિકાસને ઉજળા પાસાઓ જતા વિદેશોએ ભાવ વધારવાનું વલણ દાખવ્યું છે. હાલ જેવી રીતે જીરૂની બજારમાં લાલચોળ તેજી ચાલી રહી છે તેમાં તુવેર પણ સામેલ થઈ છે. આ તેજીમાં ગુજરાતની બ્રાન્ડેડ તુવેરદાળ વિક્રેતાઓ, પલ્સ મીલો પણ જોડાઈ છે. ગત ૨૭ જાન્યુઆરીએ બ્રાન્ડેડ સુપર તુવેરદાળના બ્રાન્ડ વાળાના ૧૦૦ કિલોના ભાવ રૂ.૧૦,૯૦૦થી ૧૨,૬૦૦ હતા. તે પાંચ માસમાં એટલે કે હાલ મે માસમાં ૩૧મીએ ભાવ છેક રૂ. ૧૩,૫૦૦ – ૧૫૦૦૦ જથ્થાબંધ બોલાયો છે. આમ ૧૦૦ કિલોએ જથ્થાબંધ ભાવમાં પાંચ માસમાં રૂ. ૨૬૦૦નો વધારો થયો છે. જેના પર રીટેઈલરો ખર્ચ – નફો ઉમેરીને વેચે છે.
હાલ દેશની જુદી જુદી મંડીઓમાં મહારાષ્ટ્રની તુવેરનો ભાવ રૂ. ૧૦,૦૦૦ કર્ણાટકની તુવેરદાળનો ભાવ રૂ. ૧૦,૨૦૦ ચેન્નઈની તુવેરદાળનો (લેમન)નો ભાવ રૂ. ૯૪૫૦ બોલાયો છે. સ્ટોકિસ્ટના કથન મુજબ તુવેર પર તેલ ચડાવવાનું હોવાથી તેમના દ્વારા સ્ટોક સંભવ નથી કારણ કે તેલ ખોરૂ થઈ જાય તો ક્વોલિટી પર અસર પડે છે. હાલ મોટાભાગે માલ પક્કડ ખેડુતોની હોવા સંભવ છે. રાજકોટ કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગે આજે બેઠક બોલાવી હતી. તેમાં દર શુક્રવારે સ્ટોકિસ્ટો, મીલો, જથ્થાંધ વેપારીઓને હયાત તુવેરદાળ માલ સ્ટોકની સ્થિતિની વિગતો સાઈટ પર અપલોડ કરવા અનુરોધ કર્યો છે.